— રેતી ખનન માફિયાઓ સામે ખાણ ખનિજ તંત્રની લાલ આંખ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના હાઈવે ઉપર રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનનની સાથે પરિવહન કરતાં હોય છે. જેની સામે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની ટીમે વોચ ગોઠવીને ઊંઝા-ભાન્ડુ હાઈ વે અને દાસજ -ઊંઝા રોડ પરથી 3 ટ્રકને રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતી ભરીને જતાં ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી,
ગોપનીય વર્તુળોના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લાના રાજમાર્ગોને ધમરોળતાં ખનિજચોરીના વાહનોને ઝડપી લેવા માટે મહેસાણા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની ટીમે ગઈકાલે ઊંઝા-ભાન્ડુ હાઈ વે પરથી રોયલ્ટી પાસ વગર રેતી ભરી પસાર થતી ટ્રકને ઝડપી લીધી હતી.
તેવી જ રીતે, દાસજ-ઊંઝા રોડ પરથી ઓવરલોડ રેતી તથા સિલેસીયસનું પરિવહન કરતાં તેને ઊભી રાખી ચેક કરતાં તેમાં ઓવરલોડ રેતી-સિલેસીયસ ભર્યાનું માલુમ પડતાં બન્ને ટ્રકને સીઝ કરીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી પરિવહન કરતાં ટ્રકમાલિકો સામે કાયદાકીય અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.