ગરવી તાકાત, મહેસાણા, તા. 29- ગુજરાતમાં અમદાવાદ, પાટણ, મહેસાણા, પાલનપુર, માણસામાં તોફાની વરસાદ વરસ્યો હતો. પાલનપુરનાં સામઢી નાઢાણીવાસમાં ગઇકાલે વિજળી પડતા પંદર વર્ષના કિશોરનું મોત થયું હતું તથા પાલનપુરના ગઢમડાણાનાં યુવકનું પાટણમાં વિજળી પડતા મોત નિપજયું હતું.
ઉપરાંત મહેસાણાનાં શંકરપુરામાં ભારે પવનમાં ચબુતરો ધરાશાયી થતા 200 કબુતરોનાં મોત નિપજયા હતા. જયારે મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકામાં બપોરથી સાંજ સુધીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં જોટાણા અને બેચરાજી તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો જયારે મહેસાણા પંથકમાં પણ ગાજવીજ સાથે એક મીમી વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે શુક્રવારે રાજયના 7 જિલ્લામાં માવઠુ પડયું. અમદાવાદ, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ફરી એકવાર ખેડુતોની કમર ભાંગી જશે. તો બીજી તરફ અમદાવાદમાં મોડી રાતથી જ કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. આજે સવારથી જ પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ તેમજ વાસણા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.


