93 લાખના સોનાના દાગીના, દારૂ સહિત અઢી કરોડનો મુદામાલ જપ્ત કરતું ચૂંટણી પંચ
રાજકોટ પૂર્વમાંથી 960 ગ્રામ અને પશ્ચિમમાંથી 493 ગ્રામના સોનાના દાગીના કબ્જે
ગરવી તાકાત, રાજકોટ તા. 10 – લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી આચાર સંહિતાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ છેલ્લા 26 દિવસમાં રાજકોટ શહેર-જિલ્લામાંથી 93 લાખના સોનાના દાગીના તેમજ વિદેશી દારુ સહિત અઢી કરોડનો મુદામાલ ચૂંટણીપંચે જપ્ત કરાવી સપાટો બોલાવી દીધો છે.
જેમાં રાજકોટ પૂર્વ વિસ્તારમાંથી રુા. 61 લાખના 960 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ વિસ્તારમાંથી 32 લાખના 493 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવેલ છે. આ દાગીના આઇડી વિભાગની ખાસ સ્કવોર્ડ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ વિદેશી દારુનો મોટો જથ્થો પણ ઝડપી લેવામાં આવેલ છે. સોનાના દાગીના ઉપરાંત દારુ સહિતના આ મુદામાલની કુલ રકમ અઢી કરોડ ઉપરાંતની થવા જાય છે.