1984માં ઈન્દીરાની હત્યા બાદ યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસે રેકોર્ડબ્રેક બેઠકો મેળવી તેમાં પક્ષપલ્ટુઓ પણ ફાવી ગયા

શેર કરવા અહીં ક્લિક કરો.

1984માં ઈન્દીરાની હત્યા બાદ યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસે રેકોર્ડબ્રેક બેઠકો મેળવી તેમાં પક્ષપલ્ટુઓ પણ ફાવી ગયા

ચૂંટણી સમયે પક્ષાતર વધ્યું પણ પક્ષપલ્ટુઓનો સ્ટ્રાઇક રેટ ઘટ્યોં

 

લોકસભા ચૂંટણી સમયે એક પક્ષમાંથી બીજા પક્ષમાં રાતોરાત પક્ષપલ્ટા કરનારની લાઈન લાગી છે અને તેઓ ચુંટણીની ટિકીટ સહિતના લાભો મેળવે છે પરંતુ હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે હવે આ રીતે પક્ષપલ્ટુઓને લોકો સ્વીકારતા નથી. ભાજપ-કોંગ્રેસ કોઈપણ પક્ષમાં જનાર માટે સફળતાનો દર ઘટી ગયો છે. એક સમય એવો હતો કે આ રીતે પક્ષપલ્ટુઓનો સફળતાનો સ્ટ્રાઈક રેટ 30 ટકા જેટલો ઉંચો હતો.

અશોકા યુનિ.ના ત્રિવેદી સેન્ટર ફોર પોલીટીકલ સેન્ટરના ડેટા મુજબ હવે ફકત 15 ટકા પક્ષપલ્ટુઓ જ સફળતા મેળવે છે. આમ તેમનો સ્ટ્રાઈક રેટ સતત નીચો જવા લાગ્યો છે. જો કે 1977નો એ સમય હતો કે જયારે ચુંટણીમાં 68.9 ટકા પક્ષપલ્ટુઓને સફળતા મળી હતી જયારે 2019માં તે દર ઘટીને 14.9 ટકા થઈ ગયો છે. 2019માં તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોની યાદી મુજબ 195 પક્ષપલ્ટુઓ ચુંટણી ટિકીટ મેળવવામાં સફળ રહ્યા હતા.

પરંતુ તેમાં ફકત 29 જ જીતવામાં સફળ રહ્યા. જો કે 2004ની ચૂંટણીમાં ચિત્ર થોડુ જુદુ હતું. આ ચુંટણીમાં 26.2 ટકા પક્ષપલ્ટુઓ ચુંટણી જીતવામાં સફળ રહ્યા. 1977નો પક્ષપલ્ટુઓનો સ્ટ્રાઈક રેટ ઉંચો રહ્યો તેનું કારણ મહત્વપૂર્ણ રીતે એકથી વધુ પક્ષોનો શંભુમેળો સતામાં આવ્યો હતો જેમાં સમાજવાદી જનસંઘી, ડાબેરીઓ, કોંગ્રેસના પક્ષપલ્ટુઓ અને અન્ય પક્ષના નેતાઓ પણ સામેલ હતા.

1980માં જયારે ઈન્દીરાએ ફરી એક વખત મેળવ્યો ત્યારે 4629 ઉમેદવારોએ લોકસભા ચુંટણી લડી હતી અને તેમાં 377 વિજેતા બન્યા હતા. જે 1977 કરતા પણ વધુ હતા. જો કે 1977ની ચુંટણીમાં 2439 ઉમેદવાર હતા અને તેમાંથી 161 જીતવામાં સફળ રહ્યા હતા. 1984માં કોંગ્રેસે 32 પક્ષપલ્ટુઓને ટિકીટ આપી હતી તેમાંથી 24 વિજેતા બન્યા હતા. આમ કોંગ્રેસમાં તે સમયના વિજેતાનો સ્ટ્રાઈક રેટ 81.3 ટકા હતો.

કોંગ્રેસને તે સમયે ઈન્દીરા ગાંધીની હત્યાના કારણે જે સહાનુભૂતિના મોજાનો લાભ મળ્યો તેના કારણે તેના 400થી વધુ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપની સ્થાપના થયા બાદ આ પક્ષને 1984માં ફકત બે બેઠકો મળી હતી પરંતુ 2019માં જયારે મોદીનો સુરત આસમાને પહોંચી ગયો હતો તે સમયે તેના 56 ટકા ઉમેદવારો વિજેતા બન્યા.

2024ની ચુંટણીમાં ભાજપે જે પક્ષપલ્ટુઓને ટિકીટ આપી હતી તેમાં 66.7 ટકા વિજેતા બન્યા. હાલનો એક રિપોર્ટ જણાવે છે કે ભાજપ જે રીતે સતત અન્ય પક્ષોના નેતાઓને સ્વીકારી રહ્યો છે તેનાથી તેનો સ્ટ્રાઈક રેટ ઉંચો જશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે. જો કે ભાજપ તમામ પક્ષપલ્ટુઓને ટિકીટ પણ આપતો નથી. 2024માં હજુ ઉમેદવારોની પસંદગી ચાલુ છે તે સમયે પણ પક્ષપલ્ટુઓનું આવાગમન શરુ થઈ ગયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.