— પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ દોડી જતાં છાત્રોનું ઓનલાઇન શિક્ષણ બંધ
ગરવી તાકાત મેહસાણા: કડી તાલુકાની મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ટી.પી.ઓ અને શાળાના 11 શિક્ષકોના માનસિક ત્રાસનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે. જેના બીજા દિવસ બુધવારે શાળાના બે શિક્ષક અને નવ શિક્ષિકા મળીને 11 શિક્ષકોએ રજા મૂકીને તેમનો પક્ષ રજૂ કરવા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ દોડી ગયા હતા. આ દરમ્યાન મેડા આદરજ શાળાના બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ રહ્યું હતું.
મેડાઆદરજ શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે મંગળવારે તેમના અમદાવાદ ઘાટલોડિયા નિવાસ સ્થાને ઘેનની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં કડીના ટીપીઓ અને મેડાઆદરજ શાળાના બે શિક્ષક, 9 શિક્ષીકા સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયેલો છે. જેના બીજા દિવસ બુધવારે મેડાઆદરજ શાળાના 11 શિક્ષકોએ રજા રિપોર્ટ મૂકીને વિદ્યાર્થીઓના ઓનલાઇન ગ્રૃપમાં આજે ઓનલાઇન શિક્ષણકાર્ય બંધનો મેસેજ કર્યો હતો. જેને પગલે શાળામાં ધોરણ 1થી 8ના 457 જેટલા વિદ્યાર્થીઓનું બુધવારે ઓનલાઇન શિક્ષણ ઠપ્પ રહ્યું હતું.
શાળામાં શિક્ષકો વચ્ચેના વિવાદ અંગે કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલે કહ્યું કે, આ શિક્ષિકા બેન સામે ગામમાથી અરજી આવી હતી. જેની તપાસ ડી.પી.ઓ સાહેબે અમને આપતા શાળામાં જઇને શિક્ષકોના નિવેદનો લીધા હતા અને અહેવાલ જિ.પ્રા.શિક્ષણાધિકારીને આપેલો છે. બહેન આવું કેમ કરી રહ્યા છે ખબર નથી. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંકુલ આગળ એકત્ર મેડાઆદરજ શાળાના શિક્ષિકા નીલમબેન પટેલ, હેમાક્ષીબેન સુથાર સહિત ઉપસ્થિત શિક્ષકોએ તેમની સામે આત્મહત્યાનો પ્રયાસ કરનાર શિક્ષિકા એ કરેલા આક્ષેપો અંગે મીડિયા સમક્ષ કહ્યુ કે, ગામ મારફતે તાલુકામાં અરજી થયેલી જે અંતર્ગત શાળામાં તપાસ આવતાં એ દિવસે અમારા નિવેદન લેવાયા હતા. અમે નિવેદનો આપેલા તો કદાચ અમને ડરાવવા કે ફસાવવા માટે બહેને આ કર્યું હોઇ શકે તેવું બચાવમાં કહ્યું હતું.
શિક્ષિકા બહેને જે આક્ષેપ કર્યા છે તે પોલીસ તપાસમાં બહાર આવશે; મહેસાણા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ર્ડા.ગૌરાગ વ્યાસને પૂછતા તેમણે કહ્યુ કે ગામ લોકોની અરજી મળી હતી અને ટીપીઓ પુષ્પાબેન ભીલે શાળામાં તપાસ કરીને અહેવાલ અહિયા રજૂ કર્યો હતો.જેમાં બંન્ને તરફી નિવેદનો લેવાયેલા છે.જે નોંધી કાર્યવાહી ચાલુમાં છે, હજુ કોઇ તારણ પર આવ્યા નથી.પ્રથમ દ્રષ્ટ્રીએ શિક્ષકો વચ્ચે અણસમજ, અણબનાવ લાગી રહ્યો છે. જ્યારે આ શિક્ષિકા બહેને શાળાના શિક્ષકો સામે આક્ષેપો કર્યા છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી