આફ્રિકા, યુરોપ, એશિયા ખંડમાં કરોડો લોકો વગર વાંકે બન્યા શરણાર્થી: એકલા ગાઝામાં 14 લાખ લોકો બેઘર
સંયુક્ત રાષ્ટ્રની શરણાથી એજન્સી યુ.એન.એચ.સી.આરે એક નિવેદનમાં આ જાણકારી આપી છે
નવી દિલ્હી તા.30 : સંઘર્ષના કારણે દુનિયાભરમાં પોતાના ઘરોથી વિસ્થાપિત થનારા લોકોની સંખ્યા 11.4 કરોડને પાર થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાથી એજન્સી યુ.એન.એચ.સી.આરે એક નિવેદનમાં આ જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ ખંડો (આફ્રિકા, યુરોપ અને એશિયા)માં ચાલી રહેલા સંઘર્ષ (યુદ્ધ)ના કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં દર 73માંથી એક વ્યક્તિ જબરજસ્તીથી વિસ્થાપિત થયો છે.
સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત ફિલીપો ગ્રાંડીએ કહ્યું હતું કે સુદાન અને કોંગો લોકતાંત્રિક ગણરાજય (આફ્રિકા)માં સંઘર્ષ, મ્યાનમારમાં સૈન્ય શાસન અને રશિયા-યુક્રેન (યુરોપ) યુદ્ધથી આ વર્ષે સૌથી વધુ લોકોને પોતાના ઘરબાર છોડવા પડયા હતા. 2023ના મધ્ય સુધીમાં 3.58 કરોડ લોકોએ પોતાનો દેશ છોડવો પડયો હતો. હવે આ આંકડો વિસ્તરીને સપ્ટેમ્બર સુધીમાં 3.98 કરોડે પહોંચ્યો છે.
જયારે આંતરિક રીતે વિસ્થાપિત લોકોની સંખ્યા 5.7 કરોડ છે. હાલ ઈઝરાયેલ અને આતંકી હમાસ વચ્ચે ચાલતી લડાઈમાં માત્ર ગાઝામાંથી લગભગ 14 લાખ લોકો બેઘર થયા છે. દુનિયામાં છેલ્લા 3 મહિનામાં 40 લાખ લોકોને ઘરબાર છોડયા છે. વિસ્થાપિતોની સંખ્યા વધવાનું કારણ માનવીય છે અને કુદરતી પણ છે. દુકાળ, ભૂકંપ, પુર જેવી કુદરતી આફતોની સાથે સાથે અસુરક્ષા-યુદ્ધ જેવી માનવીય સંકટ પણ જવાબદાર છે.