— કોવિડના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મીઓ બે વર્ષના ભથ્થાથી વંચિત :
— આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે ત્રણ માસ અગાઉ કરેલી રજૂઆત સંદર્ભે ગોકળગતિએ થતી કામગીરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન કોવિડના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મચારીઓ છેલ્લાં બે વર્ષના ભથ્થાથી વંચિત રહ્યા છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે ૩ માસ અગાઉ લેખિત રજૂઆત કર્યા બાદ વર્ષ ૨૦૧૯ ના ભથ્થાની ચુકવણી કરાઈ હતી. જો કે, વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના વિવિધ ભથ્થાઓની ચુકવણી આજદિન સુધી કરાઈ નથી. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખની કડક ઉઘરાણી બાદ હિસાબી અધિકારીએ વર્ષ ૨૦૨૦ ના વિવિધ ભથ્થાની ચુકવણી ૩૦ એપ્રિલ સુધીમાં કરી દેવાની ખાતરી આપીને વર્ષ ૨૦૨૧ ના ભથ્થાની ચુકવણી મામલે કોઈ ફોડ પાડયો નહોતો.
મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને ફિલ્ડ કર્મચારીઓએ કોરોના મહામારી દરમિયાન રજા લીધા વગર કોવિડના દર્દીઓની સારવાર કરી હતી. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીના ૬૫૦ આરોગ્ય કર્મચારીઓના એલટીસી બીલો, મોંઘવારી તફાવત બિલો, પ્રવાસ ભથ્થા, પગાર તફાવત બિલો સહિતના મળવાપાત્ર ભથ્થાઓના નાણા નહી ચુકવાતા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ વાલજી રબારીએ ૩ માસ અગાઉ લેખિત રજૂઆત કરી હતી.
રજૂઆતના બે માસ બાદ વર્ષ ૨૦૧૯ ના વિવિધ ભથ્થાની ચુકવણી કરી દેવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના ભથ્થાની ચુકવણી નહી કરાતા આરોગ્ય કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ વાલજી રબારીએ મંગળવારે હિસાબી અધિકારી સમક્ષ બે વર્ષના ભથ્થાની ચુકવણી અંગે ઉઘરાણી કરતા ૩૦ એપ્રિલ સુધીમાં વર્ષ ૨૦૨૦ ના તમામ બિલોની ચુકવણી કરી દેવાની ખાતરી આપી હતી. જ્યારે વર્ષ ૨૦૨૧ ના ભથ્થાની ચુકવણી બાબતે કોઈ સમય મર્યાદા નહી અપાતા આરોગ્ય કર્મચારીઓને એક વર્ષના ભથ્થાથી વંચિત રહેવુ પડે તેવી શક્યતા બળવત્તર બની છે.
— બે વખત રિમાઈન્ડર લેટર લખ્યા પછી એક વર્ષનુ ચુકવણુ થયુ છે :
મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ વાલજી રબારીએ કહ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીના મોંઘવારી તફાવત સહિતના બિલોનુ ચુકવણુ પેન્ડીંગ હોવાથી બબ્બે વખત રિમાઈન્ડર લેટર લખ્યા પછી ૨૦૧૯ ના બિલોનુ ચુકવણુ થયુ છે. જ્યારે ૨૦૨૦ ના બિલોનુ ચુકવણુ ૩૦ એપ્રિલ સુધીમાં કરી દેવાની ખાતરી આપી છે. પરંતુ, ૨૦૨૧ ના વર્ષના બિલોના ચુકવણા અંગે કોઈ ખાતરી આપી નથી. તમામ બિલોનુ ચુકવણુ તાત્કાલિક કરી દેવુ જોઈએ.
— વર્ષ ૨૦૨૦ ના બિલોનુ ચુકવણુ ૩૦ એપ્રિલ સુધીમાં થઈ જશે :
હિસાબી અધિકારી ભરત ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ૩ વર્ષના બિલો પૈકી ૨૦૨૦ ના વર્ષના બિલોનુ ચુકવણુ ૩૦ એપ્રિલ સુધીમાં કરી દેવામાં આવનાર છે. આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ પાસેથી ૨૦૨૦ ના વર્ષના તમામ બિલો મંગળવાર સાંજ સુધીમાં મોકલી આપવાનુ કહી દેવાયુ છે. જેમાં મહેસાણા અને વિસનગર તાલુકા સિવાયના તમામ તાલુકાના બિલો આવી ગયાનુ જાણવા મળ્યુ છે. ૨૦૨૧ ના વર્ષના બિલોનુ ચુકવણું બાદમાં કરાશે. ગ્રાન્ટની કોઈ સમસ્યા નથી.