
ગરવી તાકાત,ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
મળતી માહિતી મુજબ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે મંગળવારની રાત્રે આશરે 10:00 વાગ્યે ચામુંડા નગર વિસ્તારમાં એક નાનકડી ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલી બાદ બુધવારે સોશિયલ મીડિયામાં કોમી ઝઘડાની અફવાઓ ફેલાતા ગામમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
બનાવ ની મળતી માહિતી મુજબ, સાયરા બાનુ ઝાકીરભાઈ લુહાર (કરિયાણાની દુકાનદાર) છે અને દેવીપુજક સમાજની જામીબેન ભીખાભાઈ ચૌહાણ વચ્ચે આશરે રૂપિયા 400 ની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે 112 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઈને બુધવારે સોશિયલ મીડિયામાં ખોટી રીતે કોમી ઝઘડો થયો હોવાની અફવા ફેલાતા લોકોમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને આવનારા રામનવમીના પર્વને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સતર્ક બન્યું હતું અને
ઇડર ના ડીવાયએસપી સ્મિત ગોહિલ, પીઆઈ એ.જી. રાઠોડ, પીએસઆઈ વી.આર. ચૌહાણ, એલસીબી પીઆઈ સાકરીયા સહિત પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નજર રાખી હતી.
ત્યારબાદ બડોલી ગ્રામ પંચાયત ખાતે ગામના આગેવાનો અને બંને સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કિસાન સંઘના નેતા અમૃતભાઈ પટેલ, સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ, ગૌ રક્ષા દળના કિરણભાઈ વણઝારા, વિશ્વ હિન્દુ પરિષદના મેહુલભાઈ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે સમજૂતી કરવામાં આવી હતી અને મામલો સુખદ રીતે સમાધાન થકી કરવા માં આવ્યો હતો. સાથે જ ગામમાં શાંતિ અને એકતા જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આગેવાનોએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ માહિતીની ખાતરી કર્યા વિના તેને ન ફેલાવા જણાવ્યું હતું. રામનવમીના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સર્વે લોકોએ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.





