
*સાબરકાંઠા જિલ્લાના બડોલી ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ યોજાયો*
*ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો.*
ગરવી તાકાત ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે તાલુકા કક્ષાનો “સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)” કાર્યક્રમ ઇડર તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ ઝડપી નિવારણ લાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ, ઇડર તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુવભાઈ પટેલ, રેવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ભાસ્કર અમીન, મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર દેવડા , નાયબ મામલતદાર જયેશભાઈ, ITDO હિતેશભાઈ, વિસ્તરણ અધિકારી લીલાબેન, નરેશભાઈ પટેલ તેમજ પોલીસ સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઓપીડી સારવાર, PMJAY (આયુષ્માન) કાર્ડ, જી-કાર્ડ સહિત આરોગ્ય સંબંધિત સેવાઓ આપવામાં આવી હતી તેમજ નાગરિકોને વિવિધ આરોગ્ય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ICDS વિભાગ દ્વારા મિલેટ અને THR વાનગીઓનું પ્રદર્શન યોજી પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ સુધારા, રેશન કાર્ડ, વયવંદના યોજના, સમાજ સુરક્ષા યોજનાઓ સહિત વિવિધ સેવાઓ માટે અરજીઓ સ્વીકારી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ UGVCL ઇડર ગ્રામ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ઇડર, બેંક ઓફ બરોડા, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ તથા એગ્રિસ્ટેક પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગોએ સ્ટોલ દ્વારા નાગરિકોને સેવાઓ અને માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 80 જેટલી ઓપીડી સારવાર આપવામાં આવી હતી તેમજ 42 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત 86 આધાર કાર્ડ સુધારા કરવામાં આવ્યા હતા અને આશરે 65 જેટલા લાભાર્થીઓએ રેશન કાર્ડ સહિતના વિવિધ દાખલાઓનો લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલ, તલાટી કમ મંત્રી જલ્પાબેન પ્રજાપતિ, ડેપ્યુટી સરપંચ રમીલાબેન સુતરીયા સહિત પંચાયત ના સભ્યો, સ્ટાફ, VCE અને ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. ક્લસ્ટર હેઠળના ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમથી ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી પ્રાપ્ત થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો.





