સુપ્રીમ કોર્ટમાં કોરોના મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું છે કે જરૂરી દવા અને ઉત્પાદનોનું વિતરણ સુનિશ્ચિત શા માટે નથી કરી શકાયું ? આ વાત પર કેન્દ્રે સોગંદનામામાં કહ્યું છે કે દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિરનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે પરંતુ સરકારે માંગ અને સપ્લાય વિશે જાણકારી આપી નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે વિતરણની રીત વિશે જાણકારી નથી આપી. કેન્દ્રએ ડોક્ટરોને કહેવું જોઈએ કે રેમડેસિવિર અથવા ફેવિફ્લૂને બદલે અન્ય અસરકારક દવા વિશે પણ દર્દીને જણાવે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે આરટીપીસીઆરથી કોવિડના નવા સ્ટ્રેન વિશે જાણી શકાતું નથી. તો તેમાં પણ અનુસંધાનની જરૂર છે.

સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 18થી 45 વર્ષની ઉંમરના લોકોને રસી આપવા અંગેની યોજના વિશે પણ પુછ્યું છે. કેન્દ્ર સરકારે એ પણ કોર્ટને જણાવવું પડશે કે બાયોટેક અને સીરમને કેટલું ફંડ આપવામાં આવ્યું છે.

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે નાગરિકોને ઓક્સિજન સિલેંડર માટે રડતા જોયા છે. દિલ્હીનું સત્ય એ છે કે અહીં ઓક્સિજન નથી. ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ આવું જ છે. આ મુદ્દે સરકારે જણાવવું પડશે કે પહેલા થયેલી સુનાવણી પછી આજ સુધીની સ્થિતિમાં શું સુધારો થયો છે ?