ઇડર નજીકના ગંભીરપુરાની સોસાયટીમાં રહેતા એક શખ્સે ચાર દિવસ અગાઉ પોતાના ઘર આગળના પાર્કીંગમાંથી પાર્ક કરેલી રેનોલ્ટ ડસ્ટર ગાડી ચોરાયાની ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીમો પકવવા અને આર્થિક લાભ મેળવવા માટે વાહન ચોરીનું તરકટ રચનાર ફરિયાદીના તરકટનો પર્દાફાશ કરી તેને જ આરોપીના પાંજરામાં પૂરી દેતા વાહન ચોરીનું સમગ્ર રહસ્ય ખૂલી જવા પામ્યુ છે.
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.૬ જૂનથી તા.૭ જૂન ૨૦૨૧ દરમિયાન ગંભીરપુરાની અશરફનગર સોસાયટીમાં રહેતા સાજીદ મહેમુદભાઇ લુહારે તેને ઘર આગળના પાર્કિંગમાંથી રૂ.૧.૫૦ લાખની કિંમતની રેનોલ્ટ ડસ્ટર ગાડી નં.જીજે.૧૮.બીબી.૭૧૨૧ ચોરાયાની ફરિયાદ તા.૧૦ જૂને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધ્યો હતો. એલસીબીના પી.આઇ. એમ.ડી.ચંપાવતે જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ શોધવા ટીમને એલર્ટ કરી સૂચનાઓ આપી હતી. જેમાં ઇડરના વાહન ચોરીના ગુનાની તપાસાર્થે પી.એસ.આઇ. જે.પી.રાવ સહિતની ટીમને કામે લગાવી હતી. એલસીબીની ટીમે શુક્રવારે વાહન ચોરીના ઘટના સ્થળની વીઝીટ કર્યા બાદ વાહન ચોરીની ફરિયાદ કરનાર સાજીદ લુહારની પ્રાથમિક પુછતાછ કરતા પોલીસને તેની ભૂમિકા શંકાસ્પદ જણાઇ હતી. જેથી પોલીસે ગુનાવાળી જગ્યાના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોરાયેલા વાહનની અવરજવર અંગેની કોઇ હિલચાલ જોવા ન મળતાં પોલીસને સમગ્ર ઘટના પર શંકાઓ જણાઇ હતી.એલસીબીની ટીમે સમગ્ર ઘટના સંદર્ભે ખાનગી બાતમીદારોથી વોચ રાખી વાહન ચોરીની ફરિયાદ કરનાર શખ્સનો પૂર્વ ઇતિહાસ તેમજ તેના વાહન અંગેની માહિતી એકત્ર કરી હતી અને તેમાં ચોરીમાં ગયેલ ડસ્ટર ગાડી આજથી દોઢેક વર્ષ અગાઉ સાજીદ લુહારે ગંભીરપુરામાં રહેતા રાજુભાઇ ગનીભાઇ મેમણ પાસેથી ખરીદયાનું જાણવા મળ્યુ હતું અને તે સાતેક માસથી વાહન માલિક પાસે જોવા ન મળ્યાનું તેમજ સાતેક માસ અગાઉ ચારેક માસના સમયગાળા સુધી આ વાહન ગંભીરપુરાના રાજુભાઇ ગનીભાઇ મેમણ પાસે જોવા મળી હતી. છેલ્લા ત્રણેક માસથી તો રાજુભાઇ ગનીભાઇ મેમણ પાસે પણ આ ગાડી જોવા ન મળી હોવાની માહિતી એલસીબીની ટીમને મળતા તેને એલસીબી કચેરી ખાતે લાવી પોલીસે પુછતાછ કરી હતી.જે પુછતાછમાં પોલીસને ડસ્ટર ગાડી ચોરાઇ ન હોવાનું અને વાહન ચોરીની ફરિયાદ કરનાર સાજીદ મહેમુદભાઇ લુહારે રાજુભાઇ ગનીભાઇ મેમણને રૂ.૩ લાખની કિંમતે વેચાણ આપ્યાનું ખૂલવા પામ્યુ હતું. રાજુભાઇ ગનીભાઇ મેમણે અગાઉ મનુભાઇ જોરાભાઇ પ્રજાપતિ (રહે.ભોયણ, તા.ડિસા. જિ.બનાસકાંઠા) સાથે કરેલ અન્ય લેવડદેવડના આપવાના નીકળતા રૂ.૨.૫૦ લાખની અવેજમાં રાજુભાઇ ગનીભાઇ મેમણ આ ડસ્ટર ગાડી ત્રણેક માસ ઉપર મનુભાઇના ઘરે મૂકી આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતું. જેથી પોલીસે મનુભાઇ પ્રજાપતિનો ટેલીફોનીક સંપર્ક કરી રૂ.૧.૫૦ લાખની કિંમતની ડસ્ટર ગાડી એલસીબી કચેરીએ મંગાવી સાજીદ લુહારની યુકિત પ્રયુકિત પૂર્વક પુછતાછ કરતા અઠંગ માનસિકતા વાળા શખ્સે ડસ્ટર ગાડીની ચોરી ન થયાનું જણાવી વીમો પકવી આર્થિક લાભ મેળવવા આ તરકટ રચ્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. જેથી એલસીબીએ સાજીદ મહેમુદ લુહારની અટકાયત કરી હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશનને સોંપી ઇડર પોલીસને વધુ કાર્યવાહી હાથ ધરવા જાણ કરી છે.