નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિનભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે મંગળવારે મહેસાણા અને કડી શહેર સહિત જિલ્લામાં વિવિધ લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિત સેવાકાર્યો કરીને કાર્યકરો-શુભેચ્છકો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણીનું આયોજન કરાયું છે.
રાજ્યભરની જનતાના હૃદયમાં આગવું સ્થાન મેળવનારા નીતિનભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવા જિલ્લાભરના કાર્યકરો-શુભેચ્છકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મંગળવારે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં મહેસાણાના ટીબી રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ જનસુવિધા કેન્દ્ર (સિવિક સેન્ટર)માં પાલિકાની વિવિધ સેવાઓનો પ્રારંભ કરાશે તેમજ નાગરિકો વિવિધ વેરા ઓનલાઈન ભરી શકે તે માટે પાલિકાની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ સાથેની વેબસાઈટનું લોંન્ચિંગ કરાશે. આ પ્રસંગે વોર્ડ નં.૪ના નગરસેવક દ્વારા વોર્ડમાં છેલ્લા અઢી મહિનામાં જન્મેલી ૧૧ બાળકીઓને ૨૧૦૦ની ડિપોઝીટ નાયબ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાશે.
મહેસાણાના તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કરાશે. ઉપરાંત મહેસાણા ક્રેડાઈ દ્વારા ૧૦૦૦ બોટલના લક્ષ્યાંક સાથે કમળાબા હોલમાં રક્તદાન કેમ્પ યોજાશે. વોર્ડ નં.૩માં રામદેવ વાટિકા પાર્ટીપ્લોટમાં રક્તદાન કેમ્પ યોજાશે. આત્મારામ કાકા ફિઝીયોથેરાપી સેન્ટર ખાતે હાડકાંના રોગોનો ફ્રી નિદાન કેમ્પ તથા દવા વિતરણ કરાશે. નાગલપુર વૃદ્ધાશ્રમ સ્નેહકુટીર ખાતે નવા પખીઘરનું ખાતમુહૂર્ત તેમજ દેહદાનનો નિર્ણય કરનારા વડીલોનું સન્માન કરાશે. શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા ગોવિંદ માધવ મંદિરે હવન કરાશે અને સેવા સજીવ સેતુના સહયોગથી રાધનપુર સર્કલે રોપા વિતરણ કરાશે.
કડીમાં મહારક્તદાન કેમ્પ સહિત કાર્યક્રમો યોજાશે
કડી શહેરમાં નગરપાલિકા દ્વારા ૭૦૦૦ વૃક્ષારોપણ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરમાં છ સ્થળે મહા રક્તદાન કેમ્પ યોજાશે. ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા આઈસીયુ ઓન વ્હીલ, મોબાઈલ ડિસ્પેન્સરીનું લોકાર્પણ કરાશે તેમજ આ દિવસે હોસ્પિટલમાં ઓપીડી વિનામૂલ્યે કરાશે. શહેરમાં પૂજા-અર્ચના સહિત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.