નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2021, શનિવાર
કેન્દ્રના કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હીની સરહદે ખેડુતોનું આંદોલન શરૂ છે આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી આજે મુજફ્ફરનગર પહોંચી. જ્યાં તેમણે ખેડુત મહાપંચાયતને સંબોધિત કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દરેક નેતાને અહેસાસ થવો જોઈએ કે જનતા તેના પર અહેસાન કરે છે. મને તેનો પુરો અહેસાસ છે. પ્રયંકા ગાંધીએ કહ્યું કે, દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરનારા ખેડુતોનું અપમાન કર્યું છે. જે ખેડુતોએ પોતાના દીકરાઓને દેશની સુરક્ષા માટે સરહદે મોકલે છે તેમને અપમાનિત કરવામાં આવ્યા. તેમને દેશદ્રોહી કહેવામાં આવ્યા. તેમને આતંકી કહેવામાં આવ્યા. વડાપ્રધાન મોદીજીએ સંસદમાં ખેડુત આંદોલનની મજા ઉડાવી, ખેડુતોને પરજીવી કહ્યાં.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આંદોલન દરમિયાન જ્યારે ખેડુત નેતા રાકેશ ટીકૈતની આંખોમાં આંસૂ હતા ત્યારે વડાપ્રધાન હસી રહ્યાં હતા. વડાપ્રધાને શેરડીના બાકી ચૂકવવાનું વચન આપ્યું હતું. વડાપ્રધાને ખેડુતોની આવક બે ગણી કરવાનું વચન આપ્યું હતું. આવક વધી?
પ્રિયંકા ગાંધીએ પુછ્યું કે શું શેરડીના ભાવ 2017થી વધ્યા છે? તમે સૌ શેરડીના ખેડુતો છો સરકારે શું શેરડીના ભાવ વધાર્યાં. તમારા કેટલાં બાકી છે? ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડુતોના 10 હજાર કરોડ બાકી છે અને સમગ્ર દેશમાં શેરડીના બાકી જોવામાં આવે તો 15 હજાર કરોડ બાકી છે. બાકી હજુ સુધી પુરાં કરવામાં નથી આવ્યા. પરંતુ દુનિયાનો પ્રવાસ ખેડવા માટે વડાપ્રધાને બે પ્લેન ખરીદ્યાં છે. બે પ્લેનની કિંમત શું છે? આ બંન્ને પ્લેનની કિંમત 16 હજાર કરોડ રૂપિયા છે. જ્યારે 15 હજાર કરોડ રૂપિયામાં શેરડીના ખેડુતોના બાકીની ચુકવણી થઈ શકતી હોત. શેરડીનો ભાવ નથી વધ્યો પરંતુ તેલ અને વિજળીની કિંમત આસમાને છે. વડાપ્રધાન અહંકારી રાજાની જેમ વર્તન કરે છે.