ખોડલધામમાં આસ્થાભેર ખોડિયાર જયંતીની ઉજવણી

 

મા ખોડલને ધરવામાં આવ્યા છપ્પન ભોગસવારથી જ અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકાયાપ્રાગટ્ય દિને મા ખોડલનો વિશિષ્ટ શણગાર, 8 કિલોગ્રામ ડ્રાયફૂટનો હાર અર્પણ કરાયકાગવડ,

રાજકોટઃઆજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને 8 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ દર વર્ષની જેમ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભક્તો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આખો દિવસ ભક્તો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો મંદિરે મા ખોડલના દર્શનાર્થે આવી રહ્યા છે અને મા ખોડલના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: