(ગરવી તાકાત) મહેસાણા તા.ર૮
મહેસાણા જીલ્લામાં વધતાં કોરોના કહેર વચ્ચે જુગારીઓ પણ બેફામ બન્યાં હોવાનું સામે આવ્યું છે. મહેસાણા L.C.B ગઇકાલ બપોરે શહેરના રીવેરા ગેસ્ટ હાઉસમાંથી એકસાથે ૮ જુગારીઓને ૪૯,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે વિસનગર ટાઉન પોલીસે બાતમી આધારે જાહેરમાં જુગાર રમતાં ૬ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમ્યાન ૧૮,૩૧૦ના મુદામાલ જપ્ત કરી ઇસમો સામે વિસનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
કોરોનાકાળમાં પણ મહેસાણા LCB. ટીમે ગઇકાલ બપોરના સમયે ખાનગી બાતમી આધારે મહેસાણા શહેરના રીવેરા ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી. આ કાર્યવાહીમાં ગેસ્ટ હાઉસના સંચાલક ગોપાલસિંહ રાજપુત, કિર્તીભાઇ પ્રજાપતિ, સુનીલભાઇ જૈન, વિષ્ણુજી ઠાકોર, ભરતભાઇ પટેલ, નરેશજી ઠાકોર, ઘનશ્યામભાઇ પટેલ અને વલ્લભભાઇ પટેલ નામના કુલ ૮ ઇસમો ઝડપાઇ ગયા હતા. આ ઉપરાંત રોકડ રકમ રૂ. ૧૩,૮૦૦ અને મોબાઇલ નંગ-૭ કિ. રૂ ૩૬,૦૦૦ મળી કુલ રૂ ૪૯,૮૦૦નો મુદામાલ ઝડપી લેવાયો હતો. આ સાથે તમામ ઇસમો સામે જુગાર અટકાયતી અધિનીયમ કલમ ૪, ૫ અને આઇપીસી કલમ ૧૮૮, ૨૬૯ અને મહામારી અધિનીયમ કલમ-૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ વિસનગર પોલીસના ટીમે ગઇકાલ બપોરના સમયે પોલીસને બાતમી મળી હતી કે, વિસનગર વ્હોંના છાપરા બહુચરનગર કેનાલની જમણી સાઇડમાં મોટાપાયે જુગાર ચાલે છે. જેથી રેઇડ કરતાં ૬ ઇસમોને જે તે સ્થિતીમાં ઝડપી પાડ્યા હતા. પોલાસ કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ ૧૮,૩૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, ઇસમોનું નામઠામ પુછતા ઇરફાનખાન પઠાણ, કાળુજી ઠાકોર, રમેશજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર સામે વિસનગર ટાઉન પોલીસ મથકે આઇપીસી કલમ ૧૮૮, ૨૬૯, જુગાર અટકાયતી અધિનીયમની કલમ ૧૨ અને મહામારી અધિનીયમની કલમ-૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.