ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં થઈ રહેલા સ્વયંભૂ લોકડાઉન તથા રાત્રી કર્ફ્યૂ અંગે મોટું નિવેદન આપ્યું છે.
- 20 શહેરમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ છે: DyCM
- અડધો દિવસ દુકાન બંધ રહે અને અડધો દિવસ ભીડ ભેગી થાય : નીતિન પટેલ
- રાતે તો બધા ભેગા થાય અને દુકાનો-હોટેલોમાં ભેગા થાય એટલે કર્ફ્યૂ કર્યું છે : નીતિન પટેલ
લોકડાઉનથી ચેન તૂટે છે એવું કોઈ કહી શકતું નથી : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે હાથ ધુઓ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવો તો લોકડાઉનની જરૂરિયાત નથી રહેતી. લોકડાઉનના કારણે લાખો લોકોની રોજગારી ઉપર અસર પડે છે. લોકડાઉન કરવાથી કોરોના વાયરસની ચેન તૂટી જ જાય છે તેવું પણ કોઈ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. કેટલાય દેશો અને રાજ્યોમાં લોકડાઉન કર્યા છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે.
રાત્રિ કર્ફ્યૂનું નીતિન પટેલે આપ્યું લૉજિક
નીતિન પટેલે કહ્યું કે અડધો દિવસ બજાર બંધ રાખવામાં આવે અને અડધો દિવસ સુધી તો ગ્રાહકોની ભીડ થાય તે સમજી શકાતું નથી. આ બંધ રાખેલું બજાર કેવી ઉપયોગી થાય તે સમજી શકાતું નથી. રાત્રે તો એટલા માટે બંધ રાખવામાં આવે છે કે લોકો બજારમાં અને હોટેલો, પાનના ગલ્લા પર અથવા સોસાયટીના કમ્પાઉન્ડમાં બાંકડા પર બેઠા બેઠા વાતોચિતો કરતાં હોય તેથી રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યું છે.
નીતિન પટેલે કહ્યું કે સંપૂર્ણ લોકડાઉન કરવું એવું તો કોઈ પણ રાજ્ય સ્વીકારતું નથી. કોઈ વૈજ્ઞાનિકો આ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા નથી.
રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ: DyCM
ગુજરાતમાં લોકડાઉન મુદ્દે સવાલ કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે રાજ્યમાં હાલ તો 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ કરવામાં આવ્યું છે અને અનેક તાલુકા અને શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન રાખી રહ્યાં છે. ગ્રામ્ય, તાલુકા કક્ષાએ સ્વૈચ્છિક લોકડાઉન લાગી રહ્યા છે જેમાં વેપારી સંગઠનો બજારો બંધ રાખવાનો જુદી જુદી રીતે નિર્ણય કરી રહ્યા છે અને બજારોમાં ભીડ ન ઉમટે તે માટે પ્રયત્નો ચાલુ છે. રાજ્ય સરકાર જે નિર્ણય કરશે તેની માહિતી આગામી સમયમાં આપીશુ. નીતિન પટેલે કહ્યું કે લોકોમાં જાતે જ જાગૃતિ આવી રહી છે અને લોકોમાં જાગૃતિ લાવવામાં મીડિયાનો મહત્વનો રોલ રહ્યો છે.
દિલ્હીમાં લોકડાઉન
દિલ્હીમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં 6 દિવસ માટે લોકડાઉન લગાવાયું છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(6 દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ 50 લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે 6 દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે.
રાજસ્થાનમાં લોકડાઉન જેવા જ પ્રતિબંધો
રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ખતરાને જોતા પ્રતિબંધોને 15 દિવસ સુધી વધારી દેવાયા છે. રાજસ્થાનમાં 15 દિવસના કર્ફ્યુ હેઠળ સરકારી ઓફિસ, બજાર, મૉલ, થિયટર્સ, હોટલ અને તમામ કાર્યસ્થળ બંધ રહેશે. પરંતુ શ્રમિકોનું પલાયન ન થાય અને તેની રોજગારીથી જોડાયેલી ગતિવિધિઓ જેવી ફેક્ટ્રી, કંટ્રક્શન વર્ક શરૂ રહેશે. સાથે જ ફેરી લગાવીને જીવનનિર્વાહ કરતા લોકોને ધંધાની છૂટ આપવામાં આવશે. ઉદ્યોગોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે.