કોંગ્રેસના મત કાપવામાં ‘આપ’નો સિંહફાળો, ભાજપને ક્યાંય ‘આપ’થી નુકસાન થયું હોય તેવું કોઇ ચિત્ર ઉપસતું નથી
ગરવી તાકાત, મહેસાણા તા. ૦૮
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસને સોલિડ ફટકો માર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કોંગ્રેસના દિગ્ગજોને પાછળ છોડી દીધા છે અથવા તો તેમના મત કાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ટ્રેન્ડને કારણે અત્યારે ભાજપને મોટો ફાયદો અને કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં પણ ઝંપલાવ્યું હતું જેમાં પણ તેણે ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન પહોંચાડ્યું હતું. અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના મત લગોલગ છે. આમ થવાથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપી લેતાં ભાજપના ઉમેદવારને સરળતા થઈ ગઈ હોવાનું અત્યારે તો લાગી રહ્યું છે.
પડધરી, જસદણ સહિતની અનેક બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોના મત સરખા જોવા મળી રહ્યા છે અને તેમ થવાથી ભાજપના ઉમેદવાર સડસડાટ આગળ છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કર્યા બાદ એવી ચર્ચાએ જોર પકડી લીધું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે જ ભાજપના મત જરૂર તોડશે પરંતુ અત્યાર સુધી જાહેર થયેલા પરિણામમાં ભાજપને નુકસાન થયાનું ક્યાંય પણ જોવા મળી રહ્યું નથી અને માત્રને માત્ર કોંગ્રેસ જ આમ આદમી પાર્ટીથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.
ભલે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અત્યારે આઠ જેટલી બેઠક ઉપર જ આગળ ચાલી રહ્યા હોય પરંતુ અન્ય બેઠકો ઉપર તેના ઉમેદવારો કોંગ્રેસની સાથોસાથ મત મેળવી રહ્યા હોવાથી તેનું મોટું નુકસાન કોંગ્રેસે વેઠવું પડ્યું છે. અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભાજપને આટલી બેઠક અપાવવા પાછળ આમ આદમી પાર્ટીનો સિંહફાળો રહ્યો છે કેમ કે અમુક અમુક બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર થઈ શકે તેમ હતી પરંતુ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડીને કોંગ્રેસના ઉમેદવારના મત કાપી નાખ્યા છે જેથી ભાજપ આગળ થઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-2021માં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જ્યારે ઑક્ટોબરમાં ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી થઈ હતી. આ છએ મહાપાલિકાની 576માંથી 485 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ચૂંટણીનો 53% વોટ શેયર ભાજપના ફાળે ગયો હતો તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા કેમ કે તેની 13% મતની ટકાવારી આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી. આ જ રીતે અત્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પણ બની રહ્યું છે અને જેમ જેમ આમ આદમી પાર્ટીનો વોટશેર વધતો જઈ રહ્યો છે તેમ તેમ કોંગ્રેસનો ઘટી રહ્યો છે. એકંદરે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને ફાયદો તો કોંગ્રેસને મરણતોલ ફટકો પડી રહ્યાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.