કોરોના દર્દીઓને અસરકારક જણાતી રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે માંગ હોવાથી તેની કાળાબજારી થઈ રહી છે. અગાઉ અમદાવાદમાં પણ અનેક ગુનેગારે નકલી ઈન્કેક્શન સાથે ઝડપાયા હતા. એવામાં પાલનપુરમાં પણ તેની કાળા બજારી થઈ રહી હોવાની રાવ ઉઠતા પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને ઝડપી પાડ્યા હતા.
કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અસરકારણ જણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને હજારો રૂપિયાઓમાં વેચી તગડો નફો લઈ રહ્યા છે.
એવામાં પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકાના યુવક -યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા નકલી ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેકસ વેચવા આવેલા યુવક -યુવતીને પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના પાસેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસ સુત્ર મુજબ ઝડપાયેલ યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે જેથી આ રેકેટમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.