રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર નવી બંધાતી બિલ્ડીંગની સાઈટ પર આઠમાં માળે ખંભો અથડાવવા બાબતે ઝઘડો થતા યુવાનને ત્રણ શખ્સોએ ખુની હુમલો કરી માર મારતા યુવાનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ખુની હુમલામાં ઘવાયેલા પિન્ટુ દુધનાથ રામ (ઉ.વ.૨૦) નામના યુવાનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમતા તાલુકા પોલીસના પી.આઈ જે.વી.ધોળા સહિતના સ્ટાફે આ અંગે હત્યાની કલમનો ઉમેરો કરી એક કિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં જગદીશ ચંદ્રભાન રામ (ઉ.વ.૨૩) અને સંતો, સુખરાજ રામ (ઉ.વ.૨૬) રહે.તમામ વીન્ગસ વે સાઈટ પર ઝુંપડામાં)નો સમાવેશ થાય છે. મુળ યુપીના પિન્ટુ અને તેના મામાના પુત્ર મદન અને રામપ્રતાપ પર બે દિવસ પહેલા ત્રણેય આરોપીઓએ સાઈટના આઠમાં માળે ખંભો અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાઈપ વડે હુમલો કરતા ઈજા થઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિન્ટુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં જે અંગે રામપ્રતાપ કુમાર (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ સારવાર દરમિયાન પિન્ટુનું મૃત્યુ નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથધરી છે.