ગરવી તાકાત મેહસાણા: મહેસાણાના પાંચોટની હદમાં રાધનપુર રોડ પર આવેલ ગણેશ વિવાન સોસાયટીમાં રોડ,પાણી, લાઇટ, વરસાદી, ગટર લાઇન સહિત પ્રાથમિક સુવિધાઓની ખાતરી અને ભરોસાથી મકાનોની ખરીદી કર્યા પછી બિલ્ડરે પર્યાપ્ત સુવિધાઓ ન આપી હોવાના આક્ષેપ સાથે રહિશોએ ત્રીજી વખત તંત્રમાં રજૂઆત કરી છે.
જેમાં ગુરુવારે સોસાયટીની મહિલાઓ કલેકટર કચેરી દોડી આવી હતી અને અધિકારી સમક્ષ સ્થળ તપાસ કરાવીને યોગ્ય કાર્યવાહી કરવા રહિશોએ માંગ કરી હતી.
ગણેશ વિવાદ સોસાયટીના રહીશોએ રજૂઆત કરતાં કહ્યુ કે, બિલ્ડર દ્વારા આર.સી.સી રોડ, સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇન, ફેન્સીગ તારની વાડ, અંડર ગ્રાઉન્ડ, ગાર્ડન, ગટરલાઇન તથા વરસાદી પાણી નિકાલની સુવિધા પુરી પાડવાની ખાતરી અને ભરોસો આપ્યો હતો પરંતુ આજદિન સુધી પર્યાપ્ત કાર્યવાહી કરવામાં આવી છે.
રહિશો દ્વારા બિલ્ડર સામે વિશ્વાસઘાત,છેતરપિંડી સહિતના આક્ષેપો લેખિત રજુઆતમાં કરાયા હતા. રહિશો દ્વારા વારંવાર રજુઆતો છતાં હજુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગુરુવારે ફરી રજુઆત કર્યાનું જણાવ્યુ હતું.