રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી બેઠા છે. સવારથી જ ગરમીમાં વધારો જોવા મળે છે. બપોરની વાત કરીએ તો આ સમયે રસ્તા પર કાગડાઓ ઉડતા નજરે ચઢે છે. કોઇ વ્યક્તિ ખાસ કામ વિના આ ગરમીમાં ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે હવે ગરમીથી તૌબા પોકારી ચુકેલા લોકો માટે ચોમાસું ઠંડકનો અહેસાસ લાવવા જઇ રહ્યુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ વલસાડ અને નવસારી સહિતનાં રાજ્યનાં ઘણા વિસ્તારોમાં સવારથી જ કાળા વાદળો છવાયા છે. આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. નવસારી, વલસાડ અને ગણદેવી તેમજ બિલીમોરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને આકરી ગરમીથી રાહત મળતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. તો નર્મદા અને સુરતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબીર, વઘઈ તાલુકાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ત્યાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 22મી જૂનનાં રોજ ગુજરાતમાં ચોમાસુ બેસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ અહી વેસ્ટર્ન ડિસ્ટરબન્સનાં કારણે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઝરમર વરસાદથી રસ્તાઓ ભીના જોવા મળ્યા હતા. નવસારીની વાત કરીએ તો અહી ગરમીથી લોકોને મહદ અંશે રાહત મળી છે. અહી વરસાદનાં છાંટાઓ પડતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો રાજ્યમાં આકરી ગરમીને કારણે ત્રાહીમામ પોકરી ઉઠેલાં લોકોને અંતે વરસાદે મહદ અંશે રાહત આપી હતી. દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં વહેલી સવારથી જ વાદળો છવાઈ ગયા હતા. નવસારીનાં ગણદેવી, બિલીમોરા સહિતનાં વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડનાં પારડી અને આસપાસનાં વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. વરસાદનાં કારણે લોકોએ રાહતનો શ્વાસ તો લીધો છે પરંતુ એ વાત પણ સાચી છે કે વરસાદનાં બંધ થવાની સાથે જે ગરમી(બાફ) પડી શકે છે તેને લોકોએ થોડા દિવસો સુધી સહન કરવી પડશે. જો કે હાલમાં તો રાજ્યમાં વરસાદનું આગમન થવાની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશીનાં સમાચાર મળી આવ્યા છે.

Contribute Your Support by Sharing this News: