ગરવી તાકાત મેહસાણા: મહેસાણાના જોટાણામાં એક વિધવા મહિલાના ઘરમાં ઘૂસી પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હુમલો કરી ઘરમાં પડેલા સમાનમાં તોડફોડ કરી મહિલા સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મહિલાએ માથાભારે શખ્સો સામે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાંથલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જોટાણાના મુલ્લાજીપરામાં રહેતી એક વિધવા મહિલા અને તેના સાસુ ઘરમાં હાજર હતા, એ દરમિયાન મકાન પાછળ રહેતા ગુલામનબી ટાંક, નોમન ટાંક, નાસીર ટાંક અને બહેલીમ ટાંક તેમના ઘર બહાર નીકળી ફરિયાદી મહિલાનાને બીભત્સ ગાળો બોલી રહ્યા હતા. ગાળો કેમ બોલો છો? એમ કહેતા ટાંક ગુલામનબીએ કહ્યું કે, ટતારા ફુવા સસરા મારો પ્લોટ મને આપતો નથી. એને કહી દેજે પ્લોટ મારા નામે કરી દે.’ એમ કહી ચાર લોકોએ ભેગા મળીને મહિલાના ઘર પાસે બનાવેલી માટીની દીવાલ તોડી પાડી હતી.
બાદમાં ઘરમાં ઘૂસી મહિલાના શરીર પર હાથ નાખ્યો હતો તેમજ ચારે ભેગા મળીને મહિલાને ગરદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત ઘરમાં પડેલો સમાન પણ તોડી પાડ્યો હતો. સમગ્ર મામલે લોકોને જાણ થતાં લોકોએ એકઠા થઇને મહિલાને છોડાવી હતી. બાદમાં તમામ શખ્સો મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે મહિલાએ ચારેય શખ્સો સામે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


