કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કાળી ચૌદસ. જેને લોકો રૂપ ચૌદસ, નરક ચૌદશ, ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી તરીકે ઓળખે છે
દિવાળી પહેલા ધનતેરસ, પૂષ્ય નક્ષત્ર, કાળીચૌદશનો તહેવાર ઉજવવાનો અનેરો મહિમા રહેલો છે. આ દિવસે માતાજીની પૂજા કરવામાં આવે છે. કાળીચૌદશે તંત્ર પૂજા યમરાજ ભગવાનની પૂજા કરવામાં આવે છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કાળી ચૌદસ. જેને લોકો રૂપ ચૌદસ, નરક ચૌદશ, ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી તરીકે ઓળખે છે.કેટલીક જગ્યાએ તો છોટી દીપાવલી પણ કહેવામાં આવે છે. આ દિવસે માતા કાલી અને કષ્ટભંજન દેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.સાથે મૃત્યુના દેવતા યમની પણ પૂજા કરવામાં આવે છે. કથાકાર અશ્વિનભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું ખૂબ મોટું મહત્વ રહેલું છે.બંગાળી લોકો આ દિવસે મહાકાળી માતા અથવા શક્તિની દેવીની પૂજા કરે છે.શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળકા માતાએ નરકાસુરનો વધ કર્યો હતો. તેથી તેને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે.
નરક ચતુર્દશી સાથે જોડાયેલી એક કથા એવી પણ છે કે, જ્યારે દ્વાપર યુગમાં નરકાસુર નામનો રાક્ષસ લોકોને રંજાડતો હતો. ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેને 16,100 રાણીઓને બંધક બનાવી હતી. ત્યારે તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે બધા દેવતાઓ ભેગા મળી ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા. પરંતુ નરકાસુરનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે જ થશે તેવો તેને શ્રાપ હતો.
દેવતાઓની પ્રાર્થના સ્વીકારી ભગવાન શ્રીકૃષ્ણ નરકાસુરનો વધ કરવા તેમની સાથે તેમની પત્ની સત્યભામાને લઈ ગયા હતા. એ પછી નરકાસુરનો વધ કર્યો અને તેને બંધક બનાવેલી 16,100 રાણીઓને મુક્ત કરાવી હતી. પરંતુ રાણીઓ મુક્ત થયા તેમને ચિંતા થવા લાગી કે હવે તેમને સમાજમાં કોણ સ્વીકારશે? તેઓ ક્યાં જશે? તેમને કોણ આશ્રય આપશે? એ પછી ભગવાન શ્રીકૃષ્ણે 16,100 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા.
ત્યારથી આ બધી રાણીઓ શ્રીકૃષ્ણ ભગવાનની પત્ની તરીકે ઓળખાવા લાગી. બધા દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા. જ્યારે નરકાસુરનો સંહાર કર્યો ત્યારે ચૌદશની તિથિ હતી. તેથી આ દિવસને નરક ચૌદશ અથવા નરક ચતુર્દશી પણ કહેવાય છે. આ સિવાય પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ પણ દૈત્યરાજ બલિનું ઘમંડ ઉતારવા આ દિવસે વામન અવતાર લીધો હતો. આ સિવાય કાળી ચૌદશના દિવસે અભ્યંગ સ્નાનનું પણ વિશેષ મહત્વ રહેલુ છે. આ દિવસે સૂર્યોદય પહેલા જો શરીર પર માટી લગાવીને સ્નાન કરવામાં આવે તો વ્યક્તિને દરેક રોગમાંથી મુક્તિ મળે છે.