શા માટે પાણીમાં પધરાવીને કરવામાં આવે છે ગણપતિનું વિસર્જન? જાણવા જેવું છે કારણ
ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે
આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે. અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે. અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે. પછી તેને પૂરા આદર સત્કાર સાથે એક, ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે અને ત્યારબાદ વિસર્જન કરાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કેમ કરાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. આવો જાણીએ તેના વિશે….
ગણેશ વિસર્જનની પૌરાણિક કથા – કહેવાય છે કે અનંત ચૌદશના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું જળમાં વિસર્જન કરી નાખવામાં આવે છે. કારણ કે તેઓ જળ તત્વના અધિપતિ છે. પુરાણો મુજબ વેદ વ્યાસજી ભગવાન ગણેશને કથા સંભળાવતા હતાં અને બાપ્પા તે લખતા હતાં. કથા સાંભળતી વખતે વેદ વ્યાસજીએ પોતાના નેત્રો બંધ કરી દીધા. તેઓ 10 દિવસ સુધી કથા સંભળાવતા ગયા અને બાપ્પા તેને લખતા ગયાં. પરંતુ જ્યારે દસ દિવસ બાદ વેદ વ્યાસજીએ પોતાના નેત્ર ખોલ્યા તો ગણપતિજીના શરીરનું તાપમાન ખુબ વધી ગયું હતું. વેદ વ્યાસજીએ તેમનું શરીર ઠંડુ કરવા માટે તેમને જળમાં ડુબોડી દીધા જેથી કરીને તેમનું શરીર ઠંડુ પડી ગયું. કહેવાય છે કે ત્યારથી એવી માન્યતા ચાલી રહી છે કે ગણેશજીને શીતળ કરવા માટે જ ગણેશ વિસર્જન કરાય છે.
આ રીતે કરો વિસર્જન – બાપ્પાનું વિસર્જન કરવા માટે સૌથી પહેલા સવારે સ્નાન કર્યા બાદ ગણેશજીની પૂજા કરો અને તેમને મનગમતી વસ્તુઓનો ભોગ ચડાવો. પૂજા દરમિયાન ગણેશ મંત્ર અને ગણેશ આરતીના પાઠ કરો. આ દરમિયાન સ્વસ્તિકનું ચિન્હ બનાવો અને બાપ્પાના વિસર્જનની તૈયારી શરૂ કરો.