◙ 12 વર્ષે ભારત ફરી વિશ્વ વિજેતા બનવાનો ક્રિકેટરો-ક્રિકેટ પ્રેમીઓનો વિશ્વાસ
◙ દેશભરના માર્ગો અમદાવાદ તરફ ફંટાયા હોય તેમ દેશ-દુનિયામાંથી ક્રિકેટપ્રેમીઓ ઉમટશે
◙ છેલ્લી ઘડીએ વિમાની ભાડા 3 ગણા થઈ ગયા: હોટલના રૂમભાડા બે લાખે પહોંચ્યા
◙ સર્વત્ર અભૂતપૂર્વ માહોલ: સિનેમા, રેસ્ટોરા, સોસાયટી, પાર્ટી પ્લોટસમાં પણ બીગસ્ક્રીન આયોજનો
ગરવી તાકાત, અમદાવાદ, તા.18 – દોઢ મહિનાથી રમાઇ રહેલા ક્રિકે વર્લ્ડકપના મેચોમાં હવે અંતિમ બે ટીમો વચ્ચે અગ્નિ પરીક્ષાની ઘડી આવી ગઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં આવતીકાલે ફાઇનલ ટક્કર થવાની છે ત્યારે વર્લ્ડ ચેમ્પીયન કોણ થશે? તે વિશે દેશ-દુનિયામાં અભૂતપૂર્વ ક્રિકેટ માહોલ છવાયો છે. દેશભરના માર્ગો અમદાવાદ તરફ ફંટાયા હોય તેવું ચિત્ર ઉપસવા લાગ્યું છે. સામાન્ય ક્રિકેટ ચાહકોથી માંડીને રાજકીય મહાનુભાવો ઉદ્યોગ માંધાતાઓ, બોલીવૂડ સ્ટાર્સ સહિતની સેલીબ્રીટીની હાજરીથી ક્રિકેટની સાથે સેલીબ્રીટી માહોલ ઉભો થયો છે.
સવા લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક સીટ પણ ખાલી રહેવાની નથે તે નિશ્ર્ચિત છે. ફાઇનલની ટીકીટ મેળવવા માટે ભારે મહેનત કરવી પડયાનો ઘાટ ઘડાયો હતો. દેશ-દુનિયાભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ કાલના મેચના સાક્ષી બનશે. ક્રિકેટ પ્રેમીઓના ક્રેઝની સાબીતી હવાઇ તથા હોટલ ભાડા પરથી પણ મળી રહી છે. હજારો લોકો અમદાવાદથી ઠલવાયા હોવાથી વિમાની-હોટલ સુવિધા પણ ટૂંકી પડી છે. દિલ્હી-મુંબઇથી અમદાવાદનું વિમાની ભાડુ સામાન્ય રીતે 8 થી 10 હજાર હોય છે તે 18 થી 20 ડિસેમ્બરમાં 300 ટકા વધીને 43000 અને 31000 થયું છે. આથી મોટા શહેરોમાંથી અમદાવાદના વિમાની ભાડામાં 150થી 200 ટકાનો વધારો છે.
આ ઉપરાંત હોટલભાડા પણ બેફામ બન્યા છે. સામાન્ય હોટલનું સરેરાશ ભાડુ 7500 તથા ફાઇવ સ્ટારમાં રૂમનું ભાડુ 25 હજારથી 2 લાખ સુધીનું થયું છે. જે નોર્મલ દિવસોમાં 6500 થી 12500 રહેતું હોય છે. જાણકારોએ કહ્યું કે માત્ર ક્રિકેટ ટીમ કે તેના સપોર્ટીંગ સ્ટાફ જ નહીં, ક્રિકેટ બોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના હોદેદારો-સભ્યો, સ્પોન્સરર્સ, ઉદ્યોગ માંધાતાઓ, રાજકીય મહાનુભાવો, બોલીવૂડ સેલીબ્રીટીઝ સહિત મોટી સંખ્યામાં જમાવડો રહેવાનો હોવાથી માત્ર ફાઇવ સ્ટાર જ નહીં, થ્રી-ફોર સ્ટાર હોટલ ભાડામાં પણ મોટો વધારો થયો છે.
બે દિવસ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ખાનગી ફલાઇટોની અવર જવર થવાનો નિર્દેશ છે. એરપોર્ટમાં વિવિધ એરલાઇન્સોની સરેરાશ 250-300 ફલાઇટ આવતી જ હોય છે તે સિવાય વધારાનું ભારણ છે. મોટાભાગની ચાર્ટર્ડ ફલાઇટ મુંબઇમાં દિલ્હીથી આવવાની છે. એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો ખીચોખીચ રહેવાનું જ છે. ઉપરાંત દેશભરમાં ઠેક ઠેકાણે બીગ સ્ક્રીનના આયોજનો થયા છે. રેસ્ટોરા, સોસાયટીના કોમન પ્લોટ, પાર્ટી પ્લોટ, થિયેટર સહિત સર્વત્ર જબરદસ્ત આયોજનો છે. રવિવારની રજાનો દિવસ હોવાથી મેચ દરમ્યાન કરફ્યૂનો માહોલ સર્જાવાનું ચિત્ર છે.