જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સ્થિતિ એક એક સાંધે ત્યાં તેર તૂટે જેવી, પોલીસ, ફૂડ વિભાગ અને નકલી જીરૂના કારોબારીયો એક જ સોયમાં પરોવાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 31 – ગુજરાતમાં ઊંઝા ડુપ્લીકેટ જીરૂના વેપલાનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે. ઊંઝા શહેર સહિત પંથકમાં 35થી 40 ફેકટરીઓ કે ગોડાઉનોમાં વરિયાળીમાં સીમેન્ટ, કેમિકલ, લીલો પાવડર સહિતનું મિશ્રણ કરીને નકલી જીરાનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર કારોબારીયો ચલાવી રહ્યા છે. ઊંઝા પંથકમાં આટલી મોટી સંખ્યામાં નકલી જીરૂ બનાવવાનો કારોબાર ચાલતો હોવા છતાં ઊંઝાના પીઆઇ દરજી ઊંઝામાં નકલી જીરૂના સોદાગરો પાસેથી સોદો કરી નકલી જીરૂ બનાવવાની પરમીટ આપી હોવાની ચર્ચા ઊંઝા સહિત મહેસાણા જિલ્લામાં તેજ બની છે. તો બીજી તરફ નકલી જીરૂ બનાવતી ફેકટરીઓ કે ગોડાઉનમાં કોઇ પત્રકાર ઓચિંતી તપાસ કરે તો ઊંઝા શહેર સહિત પંથકના નકલી જીરાનો કાળો કારોબાર ચલાવતાં તમામ વેપારીઓ એકજૂથ થઇ જાય છે અને તેમના આ કાળા કારોબારનો પર્દાફાશ ન થાય તે માટે ઊંઝા પી.આઇ દરજીનો આશરે ચાલ્યાં જાય છે અને પોલીસ આવા કારોબારીઓને સંરક્ષણ પુરૂ પાડી રહી હોવાનું ચર્ચાનો વિષય બન્યોં છે.
ઊંઝા પંથકમાં આટલી મોટી સંખ્યામાં ફેકટરીઓ અને ગોડાઉનોમાં નકલી જીરાનો કારોબાર ધમધમી રહ્યો હોવા છતાં ઊંઝા પોલીસને એક પણ નકલી જીરૂ બનાવટી ફેકટરી કે ગોડાઉન નજરે ચડતાં નથી. ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ તેમજ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઝા સુધી લાંબુ થઇ આવા તત્વોને ખુલ્લા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી નકલી કારોબારનો પર્દાફાશ કરી રહી છે પરંતુ ઊંઝા પોલીસને આવો એક પણ કેસ હાથ લાગતો નથી તે ઊંઝા પીઆઇનું આ કુણુ વલણ શંકાસ્પદ ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના ફૂડ વિભાગની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી, પોલીસ, ફૂડ વિભાગ અને કારોબારીઓ એક જ સોયમાં પરોવાયા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. ઊંઝામાં નકલી જીરૂના કારોબારના કોથળા ઉપર સ્થાનિક પોલીસની સીલાઇ કરનાર દરજી કોણ? મહેસાણા જિલ્લા પોલીસવડા થોડું ધ્યાન અહીં પણ આપજો.
ઊંઝાનું જીરૂ આખા એશિયામાં વખણાય છે. જેથી ઊંઝાનું જીરૂ લોકોની પહેલી પસંદ છે. તેમજ ઊંઝાનાં જીરાની બહુ માંગ છે. બનાવટી જીરૂથી જીરૂનાં ઉંચા ભાવ મેળવવા શોર્ટકટ. જીરૂ કરતા વરિયાળી સસ્તી હોય છે. વરિયાળીની સાઈઝ અને જીરૂની સાઈઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની રહે છે. વરિયાળી પર પ્રોસેસ કરીને જીરૂ બનાવી લેવાય છે. ઊંઝાની જાણીતી બ્રાન્ડનાં નામે પણ બનાવટી જીરૂ વેચાય છે. અસલી જીરૂ સાથે નકલી ભેળસેળ કરી દેતા હોય છે. લોકો જીરૂનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ થતી નથી.
બીજાના નામે ફેકટરી કે ગોડાઉન ભાડા કરાર કરી મોટા માથાઓની છટક બારી કરી રહ્યા છે. ઊંઝા પોલીસ ભેળસેળીયા તત્વોને ત્યાં ગીરો પડ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ઊંઝા માર્કેટયાર્ડ વિશ્વમાં વિખ્યાત છે. યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની જણશીઓ લઇને વેચાણ માટે અહીં આવે છે. જીરૂ અને વરિયાળી ઇસબગુલના માલની આવકો વધુ આવે છે. ઊંઝા ખાતેથી જીરૂ અને વરિયાળીનો ફોરેનમાં કરોડોનો વેપાર થાય છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઊંઝા શહેર સહિત પંથકમાં નકલી જીરૂનો વેપલો દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેટલાક કથિત ભેળસેળીયા તત્વો દ્વારા આ ગોરખધંધાથી તગડી કમાણી કરી રહ્યા છે. વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવવા માટે શંખજીરૂ, પાવડર, સીમેન્ટ, કેમીકલવાળો લીલો કલર સહિતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા કરી રહ્યા છે.
ઊંઝા શહેર સહિત તાલુકાના ગામડાઓમાં ફેકટરીઓ કે પછી ગોડાઉન રાખી આ ભેળસેળીયા નકલી જીરાના ધંધાને અંજામ આપી રહ્યા છે. સંબંધિત તંત્રથી બચવા માટે બીજાના નામે ફેકટરી કે ગોડાઉન ભાડા કરાર કરી મોટા માથાઓ છટકી રહ્યા છે. આ ભેળસેળીયા તત્વો કેટલાક કથિત ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે જેને લઇને ઝડપથી કરોડપતિ બનવાની લ્હાયમાં આ ભેળસેળીયા તત્વો દિવસને દિવસે વધી રહ્યા છે. તંત્રનો જાણે કોઇ ડર કે ભય ન હોય તેવો એહસાસ જિલ્લાની જનતા જર્નાદન કરી રહી છે.
આરોગ્યમંત્રીના રાજમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કે જેઓ ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની હોવા છતાં આ ગેરકાયદેસર નકલી જીરૂ બનાવવાનો ધંધાને ડામવામાં નિષ્ફળ નિવડ્યાં છે. આરોગ્યમંત્રીના રાજમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. લોકોના સ્વાસ્થય જાેખમમાં મુકનારા ભેળસેળીયા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહી. જેનો જનતા જવાબ માંગી રહી છે. કથિત ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર તળે આ વેપલો ફુલ્યો ફાલ્યો છે. શું આરોગ્યમંત્રી દ્વારા આવા અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભેળસેળીયા તત્વોને ડામવામાં આવશે કે પછી આરોગ્યમંત્રીના રાજમાં આમ જ ચાલતું રહેશે જેવા અનેક સવાલો બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાનો વિષય બન્યાં છે.