કિશોરી લાલ શર્માએ 1.19 લાખ મતની લીડથી સ્મૃતિ ઇરાનીને હરાવી
ઈરાનીએ ગત વખતે કોંગ્રેસના કદ્દાવર નેતા રાહુલ ગાંધીને હરાવીને આ સીટ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી
અમેઠી તા. 04 – લોકસભા ચૂંટણી 2024ના વલણમાં કેટલાય રાજ્યો અને સીટો પર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે પાછળ રહેતા જોવા મળી રહ્યા છે. ઈરાનીએ ગત વખતે કોંગ્રેસના કદ્દાવર નેતા રાહુલ ગાંધીને હરાવીને આ સીટ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. સ્મૃતિ ઇરાનીને કિશોરી લાલ શર્માએ હરાવી દીધી છે. કિશોરી લાલ શર્માએ 1.19 લાખ મતની લીડ સાથે વિજયી થયા હતા.
કોણ છે કિશોરી લાલ શર્મા
કિશોરી લાલ શર્મા અથવા કેએલ શર્મા મૂળતો પંજાબના લુધિયાનાના રહેવાસી છે. તેઓ પહેલી વાર 80ના દાયકામાં ગાંધી પરિવારની નજીક આવ્યા. ધીમે ધીમે રાજીવ ગાંધીની નજીક ગયા. વર્ષ 1983માં જ્યારે પહેલી વાર રાજીવ ગાંધીએ રાયબરેલી અને અમેઠીમાં પગ મુક્યો, ત્યારે શર્મા પણ તેમની સાથે ત્યાં ગયા. રાજીવ ગાંધીની કસમયે મોત બાદ ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો ગાઢ થયા. એક રીતે શર્મા, ગાંધી પરિવારના થઈને રહી ગયા.
સોનિયા ગાંધીનો જમણો હાથ
રાજીવ ગાંધીના મોત બાદ જ્યારે સોનિયા ગાંધી સક્રિય રાજકારણમાં ઉતર્યા તો, કિશોરી લાલ શર્મા એત રીતે તેમનો જમણો હાથ બની ગયા હતા. તેમની સાથે સતત રાયબરેલી અને અમેઠી જતા રહેતા. જ્યારે સોનિયા ગાંધીએ પોતાના દીકરા રાહુલ ગાંધી માટે અમેઠી સીટ છોડી તો કિશોરી શર્માને અમેઠીની જવાબદારી સોંપી દીધી. ત્યારથી તેઓ સતત રાહુલ ગાંધીની ઈલેક્શન મેનેજ કરતા આવ્યા છે.
કેવી રીતે બનાવી અમેઠીમાં જગ્યા
2004માં જ્યારે પહેલી વાર રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ બન્યા, ત્યારથી સતત કિશોરી લાલ શર્મા તેમની સાથે જતા રહેતા. રાહુલની ગેરહાજરીમાં પણ તેઓ સંસદીય વિસ્તારના તમામ કામકાજ સંભાળતા. શર્માને નજીકથી જાણતા લોકો જણાવે છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધી અમેઠીથી સાંસદ હતા, ત્યાં સુધી કિશોરી લાલ શર્મા દર બીજા મહિને અમેઠી આવતા જતા રહેતા. રાહુલની હાર બાદ પણ અમેઠી છોડ્યું નહીં અને ત્યાંના લોકોના સંપર્કમાં રહ્યા. દિલ્હીમાં સારવારથી લઈને તમામ બીજી વસ્તુઓમાં અમેઠીના લોકોની મદદ કરતા રહ્યા.