રાજસ્થાનથી ફરીને પરત આવતાં અમદાવાદના પાંચ મિત્રોની કાર ગાંધીનગર પાસે તળાવમાં ગરકાવ થતાં પાંચેયતના મોત  

September 20, 2023

ગાંધીનગર પાસે અમદાવાદના મિત્રોની કાર તળાવમાં ગરક: પાંચેયના મોત: વરસાદ વચ્ચે કરૂણાંતિકા

વરસાદના કારણે રસ્તો સાવ ધુંધળો દેખાતો હતો અને રાત્રીનાં અંધારાના કારણે મુશ્કેલી વધી હતી

ધોધમાર વરસાદ વચ્ચે રાજસ્થાન ફરવા ગયેલા પાંચ મિત્રો ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે ગાંધીનગર જીલ્લાનાં દશેલા ગામનાં તળાવમાં તેમની કાર ખાબકી હતી.

ગરવી તાકાત, ગાંધીનગર તા.20 – ધોધમાર વરસાદ વચ્ચે રાજસ્થાન ફરવા ગયેલા પાંચ મિત્રો ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે ગાંધીનગર જીલ્લાનાં દશેલા ગામનાં તળાવમાં તેમની કાર ખાબકી હતી. રવિવારે મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માત બાદ સોમવારે સાંજ સુધી બચાવ કાર્ય ચાલ્યુ હતું. જેમાં પાંચેય યુવકનાં મૃતદેહ અને કાર મળી આવી હતી.


નરોડામાં રહેતા નિમેષ ગણપતભાઈ પરમાર, ભરત મહેન્દ્રભાઈ સોલંકી, વિનય હિતેશકુમાર નાયી અને શૈલેષ જગદીશભાઈ રાઠોડ કાર લઈને રાજસ્થાન ફરવા નીકળ્યા હતા.તેમની સાથે ગાંધીનગરનાં દશેલા ગામનો ગૌરાંગ યોગેશભાઈ ભટ્ટ પણ જોડાયો હતો. રવિવારે તેઓ રાજસ્થાનથી પરત આવવા નીકળ્યા હતા. મિત્ર ગૌરાંગને ઘરે ઉતારવા માટે તેમણે કારને દશેલા ગામ બાજુ લીધી હતી. રાત્રે 9 ના અરસામાં તેઓ દશેલા ગામમાં જઈ રહ્યા હતા.

વરસાદના કારણે રસ્તો સાવ ધુંધળો દેખાતો હતો અને રાત્રીનાં અંધારાના કારણે મુશ્કેલી વધી હતી. આમ છતાં તેઓ ધીમેધીમે કાર આગળ વધારી રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં દશેલા ગામનું ખાયણા તળાવ આવ્યું હતું. તળાવની બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે.આ રસ્તા પરથી કાર પસાર કરીને ગૌરાંગના ઘેર પહોંચવાનો તેમનો ઈરાદો હતો. જોકે ધોધમાર વરસાદને પગલે તળાવ છલકાઈ ગયુ હતું અને તળાવના પાણી રોડ પર આવી ગયા હતા.  આગળ વધતી વખતે ચુકના કારણે કાર તળાવમાં સરકવા લાગી હતી. પાછળની સીટ પર બેઠેલો ગૌરાંગ આ પરિસ્થિતિ સમજી ગયો હતો. તેણે તરત પિતાને ફોન કર્યો હતો.ગૌરાંગે કહ્યું હતું કે અમારી કાર તળાવમાં પડી છે અને મને તરતા આવડતુ નથી ગૌરાંગ હજુ કંઈ બોલે તો પહેલા ફોન કપાઈ ગયો હતો.

ગૌરાંગના પિતાએ સ્થાનિકોની મદદથી દીકરાને તથા તેના મિત્રોને શોધવા વરસતા વરસાદ વચ્ચે પ્રયાસ કર્યા હતા. પરંતુ સફળતા મળી ન હતી. આ મામલે જાણ થતાં ડભોડા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.  પાંચેય યુવકોનાં પરિવારજનો દશેલા ગામના તળાવ કિનારે પહોંચી ગયા હતા અને પોતાના સ્વજન જીવીત મળે તેવી પ્રાર્થના કરતા હતા.જોકે બધાની નિરાશા વચ્ચે એક પછી એક પાંચેય મૃતદેહ મળી આવ્યા હતા. તરવૈયાઓની મદદથી ફાયરની ટીમે સફેદ રંગની અલ્ટ્રોઝ કાર પણ બહાર કાઢી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0