મલેશિયામાં સાંસદોએ બુધવારે એક કિશોરીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર કરેલા પૉલ બાદ આપઘાત કરી લેવાના કેસમાં તપાસ કરવાની માંગણી કરી છે.પૂર્વ મલેશિયામાં આવેલા સરાવાક રાજ્યની પોલીસે જણાવ્યું કે 16 વર્ષની કિશોરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પૉલ કર્યો હતો. જેમાં તેણીએ પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે, “આ ખરેખર મહત્વનું છે, D/Lમાં પસંદગી કરવામાં મારી મદદ કરો.” મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે યુવતીએ બિલ્ડિંગના ટેરેસ પરથી પડતું મૂક્યાના કલાકો પહેલા આવો પૉલ મૂક્યો હતો.જિલ્લા પોલીસ વડા અદિલી બોલહાસનના કહેવા પ્રમાણે “કિશોરીના એક મિત્રના જણાવ્યા પ્રમાણે D/Lનો મતલબ મોત/જીવન હતો. પૉલમાં જોઈ શકાય છે કે તેણીના 69% ફોલોઅર્સ “D”ની પસંદગી કરી હતી.”વકીલ તેમજ સાંસદ રામકરપાલ સિંઘે જણાવ્યું કે, જો લોકોએ કિશોરીના મોત માટે વોટિંગ કર્યું હતું તેમની વિરુદ્ધ આપઘાત માટે ઉશ્કેરણી બદલ કાર્યવાહી થઈ શકે છે. તેમણે તંત્રને એવી પણ સૂચના આપી છે કે કિશોરીએ કેવી પરિસ્થિતિમાં આપઘાત કરી લીધો હતો તેની તપાસ કરવામાં આવે.મલેશિયાના કાયદા પ્રમાણે કોઈ સગીરને આપઘાત કરવા માટે ઉશ્કેરવા બદલ મોત અથવા 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.મલેશિયાના યુવા અને રમતગમત મંત્રી સૈયદ સાદ્દીક અબ્દુલ રહેમાને જણાવ્યું કે, “આ ખરેખર દુર્ભાગ્યની વાત છે કે કોઈ કિશોરીએ આ રીતે પોતાની જિંદગીનો અંત આણ્યો છે.”

Contribute Your Support by Sharing this News: