ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૫)

મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ સોમશ્વર કુંજમાં એક અઠવાડીયાથી પીવાનું પાણી ન આવતા ઘરકામ માટે મુશ્કેલીમાં મૂકાયેલ મહિલાઓ ગુરુવારે નગરપાલિકા ગજવી હતી. આક્રોશભેર રજૂઆત કરતાં રહીશોને પ્રમુખે કહ્યુ કે, પહેલા પાણી વેરો ભરો, સોસાયટીનો પાણી વેરો પણ ભરાયેલો નથી પછી ફરિયાદ કરવા આવજો.

મહિલાઓએ જણાવ્યુ હતું કે, પહેલા બે ટાઇમ પાણી આવતુ હતું.પાણીના અભાવે ઘરકામમાં મુશ્કેલી પડે છે,પીવાના પાણી અન્ય વિસ્તારથી લાવવા પડતા હોઇ પાલિકાને પાણીની અરજ કરી છે.સોમેશ્વર કુંજના પ્રમુખ બાબુભાઇ પરમારે કહ્યુ કે, સોસાયટીમાં 87 મકાનો છે બિલ્ડરે મેન્ટેનન્સ ખર્ચ અમારી પાસેથી લીધેલ છે,પજેશન વગેરે બાબતોને લઇને કોર્ટમાં ગયેલા છીએ,જે કેસ ચાલે છે.

પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકીએ કહ્યુ કે,ગેરકાયદેસર પાણી જોડાણો ધ્યાને આવેલા છે,એટલે પહેલા પાલિકામાં વેરો ભરો પછી પાણી સમસ્યાની રજૂઆત કરવા કહ્યુ છે.વોટરવર્કસ શાખાના સુત્રોએ કહ્યુ કે, સોમનાથ રોડ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં ખાનગી બોર આધારીત પાણીની સુવિધા છે.વિસ્તારમાં પાલિકાની લાઇનમાં કેટલાક કાયદેસર તો કેટલાક ગેરકાયદે જોડાણો જુની લાઇનમાં કરી દીધાનું ધ્યાને આવેલ છે.જોકે હવે સોમનાથ વિસ્તારમાં 10લાખ લીટર પાણીની નવી ટાંકી બની છે અને ટેસ્ટીગ ચાલુ છે,ટૂંક સમયમાં ત્યાંથી પાણી સપ્લાય ચાલુ કરાશે.જેમાં બાકી સોસાયટીઓને જોડાણ અપાશે.