ગરવીતાકાત મહેસાણાઃચોમાસામાં ભયજનક મકાન ઉતારી લેવા નોટિસ ફટકારી હાથ ખંખેરી લેતુ પાલિકા તંત્ર માલિકીના કોમ્પલેક્સમાં જ ફાયર સેફટી નથી તોરણવાળીના સીંધી માર્કેટમાં ફાયર વાહન જ અંદર જઇ શકે તેમ નથી, સ્ટેશન રોડ કોમ્પલેક્ષમાં આગ લાગે તો સુરતવાળી થવાની દહેશત

સુરતના કોચિંગ સેન્ટરમાં લાગેલી આગમાં 22 માસૂમોની જિંદગી હોમાઈ ગયાની ગોઝારી ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યારે રવિવારે પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલા અને 500થી વધુ દુકાનો ધરાવતા સંસ્કૃત કોમ્પ્લેક્ષની લિફ્ટમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકતાં સુરતવાળી થતાં રહી ગઈ હતી.આગ લાગતાં કોમ્પ્લેક્ષમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બીજી બાજુ મહેસાણા શહેરમાં નગરપાલિકા ખાનગી માલિકીના બિલ્ડીગોમાં તપાસ કરીને હવે એક્શન મોડમાં આવી છે પણ ખૂદ પાલિકાએ બનાવેલા કોમ્પલેક્ષોની હાલત આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

શહેરના તોરણવાળી સીંધી માર્કેટ તરીકે ઓળખાતા પાલિકાના બે માળના બિલ્ડીંગનો પ્રવેશ માર્ગ જ સાંકડો હોઇ આગ જેવા બનાવમાં ઇમરજન્સીમાં ફાયર વાહન જ અંદર પ્રવેશ કરી શકે તેમ નથી.સ્ટેશનરોડ પર એક જ લાઇનમાં આવેલ નગરપાલિકાના બે કોમ્પલેક્સ પૈકી એકમાળના એક કોમ્પલેકસમાં 17 દુકાનો છે અને તે પૈકી પ્રથમ માળે જવા માટે વચ્ચે માત્રે એક જ સીડી છે. જ્યાં સીડીની આસપાસ આગ લાગે તો પ્રથમમાળેથી નીચે ઉતરવા બંન્ને સાઇડ કોઇ સીડી ન હોઇ ત્વરીત આગથી બચવા નીચે કુદકો મારવો પડે તેવી હાલતમાં કોમ્પલેક્સ ઉભુ છે,બાજુમાં બે માળમાં 45 જેટલી દુકાનોના પાલિકા કોમ્પલેકસમાં પણ વચ્ચેના ભાગે માત્ર એક સાંકડી સીડી છે,ઇમરજન્સી એક્ઝીટ કે બે સાઇડમાં કોઇ સીડી જ નથી. વળી બીજા માળની છત પોપડા ખરતા રોડસાઇડનો ભાગ જોખમી છે. ચોમાસામાં શહેરમાં ખાનગી મિલ્કતદારોને ભયજનક ઉતારી લેવા નોટિસ ફટકારી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતુ પાલિકા તંત્ર માલિકીના કોમ્પલેક્સમાં પર્યાપ્ત સુવિધાઓ કરી શક્યુ નથી તેમને કોણ નોટિસ આપશે.

સી.ઓ.એ નોટિસ ફટકારી 
સુરતની ઘટના બાદ પાલિકાના ચીફ ઓફિસરે શહેરની બહુમાળી ઇમારતો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસીસ, નર્સિંગહોમ, એરોડ્રામ, હોટલ રેસ્ટોરન્ટ, કમ્યુનીટી હોલ, શોપિગ મોલ, કોમ્પલેક્ષો, ફેક્ટરી, રીફાઇનરી વગરેના માલિકો, વહીવટકર્તા ધારકોને ફાયર સેફટીની સુવિધા લગાવવા જાહેર નોટિસ આપી ત્રણ દિવસમાં અમલ કરવા તાકીદ કરી તેમ નહીં કરનારની મિલકત સીલ કરવાની ચીમકી આપી છે.

મહાત્માગાંધીમાર્કેટમાં વીજ વાયર જોખમી,પાણી નથી
નગરપાલિકાના ત્રણ માળના મહાત્માગાંધી મ્યુ.માર્કેટમાં ઠેરઠેર દુકાનો આગળની લોબીમાં વીજવાયરો લટકતા જોવા મળ્યા હતા.બિલ્ડીંગમાં નિયમપ્રમાણે વાયરીંગના અભાવમાં ખુલ્લા વાયરો, મીટરથી અકસ્માતનું જોખમ મંડરાઇ રહ્યુ છે.માર્કેટમાં પાણીની ટાંકી હોવી જોઇએ પરંતુ છત પર પાણી વગર ટાંકી કચરાથી ભરેલી પડી છે.ટાંકથી માર્કેટનું જોડાણ જ બંધ હાલતમાં છે.

મહાત્માગાંધી શોપિંગમાં ફાયરસેટ લાગ્યા 
પાલિકાનું અલાયદુ ફાયર સ્ટેશન છે પણ પાલિકાના કોમ્પલેક્સમાં સુવિધા મામલે અત્યાર સુધી ઉદાસીન રહ્યુ. કોઇ મહાત્માગાંધી મ્યુ.માર્કેટ તરફ આગળી કરે તે પહેલા ભાન થતા પાલિકાએ તાબડતોબ ત્રણેય માળમાં ફાયર હેન્ડસેટ(એક્સકીગ્યુસર) શનિવારે રાત્રે લગાવી દીધા છે.આ માર્કેટમાં પાલિકા પ્રમુખની એડવોકેટ ઓફીસ પણ છે.

આ રીતે ફાયર એનઓસી મેળવી શકાશે 
બિલ્ડીંગના ઓનર ફાયર એજન્સી(વિક્રેતા)નો સંપર્ક કરીને ક્યા પ્રકારનું બિલ્ડીગ છે તે દર્શાવીને તે મુજબની અગ્નિ નિવારણ સિસ્ટમ બિલ્ડીગમાં લગાવી શકે.પછી પાલિકાના ફાયર સ્ટેશનથી એનઓસી ફોર્મ મેળવી તેમાં સુચિત વિગતો ભરીને પાલિકાની ટપાલ શાખામાં આપવુ.ત્યારપછી ફાયર ઇન્સપેક્ટર સ્થળ તપાસ કરી જશે.જેમાં ફાયર સિસ્ટમ બરોબર જણાયે એનઓસી મળશે.ફાયર એક્સગ્યુસર, હોઝરીલ, હાઇડનપોઇન્ટ, સ્પ્રીન્કલર વગેરે પ્રકારની ફાયર સિસ્ટમ હોય છે જે કેટલા માળ, કેવા પ્રકારનું બિલ્ડીંગ તે મુજબની લગાવવાની માહિતી ફાયર એજન્સીઓ પાસે ઉપલબ્ધ જ હોય છે.

ટ્યુશન સંચાલકો આજે માર્ગદર્શન લેશે
મહેસાણામાં બે દિવસના તપાસ સર્વેમાં કુલ 186 સ્થળો પૈકી 176 જગ્યાએ ખામીઓ જણાઇ છે. મહેસાણા તાલુકા ટ્યુશનક્લાસ સંચાલક એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પટેલે કહ્યુ કે,બાળકો અમને વ્હાલા છે, ક્લાસીસમાં કંઇ કંઇ સુવિધા જરૂરી તે અંગે સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ગાઇડલાઇન મેળવીશુ.અગાઉ કોઇ ફાયરસેફ્ટી અંગે પૂછવા, તપાસ કરવા આવ્યુ નહોતું,બે દિવસથી તપાસ ચાલી છે.

Contribute Your Support by Sharing this News: