દાંતા તાલુકામાં હપ્તારાજ ? ઘેટાં બકરાની જેમ ખાનગી વાહનોમાં મુસાફરોની મોતની સવારી : દાંતા પોલીસ ઊંઘમાં
અંબાજી ત્રિશૂળીયા ઘાટ માં સર્જાયેલા અકસ્માત માં દશ વ્યક્તિઓના કરુંણ મોત નિપજ્યા હતા. જેમા જીપ ડાલા ને અકસ્માત નડ્યો હતો તેમાં 35 મુસાફરો ભર્યા હતા. આ અકસ્માત ની ગંભીર નોંધ લઈ રાજ્ય સરકારે જિલ્લા આર.ટી.ઓ ને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે દાંતા તાલુકાના માર્ગો ઉપર હપ્તાના જોરે વર્તમાન સમયે ઘેટાં બકરાની જેમ વાહનોમાં મુસાફરોની હેરા ફેરી કરવામાં આવી રહી છે. 
દાંતા વિસ્તાર પહાડીયા વિસ્તાર હોવાથી ખીણો અને વળાંક ખુબજ આવેલા છે. છાશવારે ને છાશવારે આ વિસ્તાર માં જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે દાંતા પોલિસ દ્વારા આવા વાહન ચાલકો સામે કઈ પણ કાર્ય વાહી કરવામાં આવતી નથી ,શુ તેના માટે હપ્તા સીસ્ટમ કારણ ભુત છે? જેવા અનેક સવાલો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. રોજના હજારો લોકો પોતાના જીવના જોખમે ખાનગી વાહનોમાં મોતની મુસાફરી કરી રહ્યા છે. દાંતા ના અંતરિયાળ વિસ્તાર જેવાકે દાંતા-અંબાજી,દાંતા-હડાદ,દાંતા-વશી,દાંતા-નાગેલ, ટૂંડિયા માંકડી જેવા અનેક વિસ્તારોમાં પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી થઈ રહી છે. વાહનોની અંદર તેમજ આજુબાજુ એટલા મુસાફરો લટકેલા હોય છે કે વાહન દેખાતું જ નથી મોતની સવારી રૂપી આવા વાહનો માર્ગો પર દોડતા લોકોને જોવા મળે છે. પરંતુ દાંતા પોલીસ ને આવા વાહનો શા માટે દેખાતા નથી ,? તેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. દાંતા પોલીસ આ સમગ્ર મામલે અજાણ હોય તેમ હંમેશા આંખ આડા કાન કરતી જોવા મળે છે. આવા ખાનગી વાહન ચાલકોને પોલીસ નો કે ટ્રાફિક નિયમોનો કોઈ ડર હોય તેવું લાગતું જ નથી. ખુલ્લેઆમ ઓવરલોડ અને ઘેટાં બકરાની જેમ મુસાફરો ભરીને ખાનગી વાહન ચાલકો બેફામ મુસાફરી કરાવી રહ્યા છે. દાંતા પોલીસ કેમ કોઈ ઠોસ પગલાં ભરતી નથી કે પછી પોતાનો હપ્તો બંધ થાય તેવો ડર છે? બનાસકાંઠા પોલીસવડા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.