(નૈમિષ ત્રિવેદી)
આપણે જાણીએ જ છીએ કે કોમોડિટી માર્કેટમાં બે પ્રકારના બજારો હોય છે, એક તો હાજર બજાર અને વાયદા બજાર. સૌપ્રથમ જે લોકો કોમોડિટી બજારથી અજાણ છે તે લોકોને આ બજારો વિશે જણાવી દઈએ. પહેલાં હાજર બજાર વિશે સમજીએ તો તમે કોઈ જ્વેલર્સને ત્યાં જાવ કે મારે ચેઈન કે વીંટી લેવી છે તો તમને કહેશે કે તેના આટલા રૂપિયા થશે. તો તમે તેને પૈસા આપશો તે તમને ચેઈન કે વીંટી આપશે. જો તેની પાસે માલ તૈયાર નહીં હોય તો તે કહેશે કે તમે બે-ત્રણ દિવસમાં લઈ જજો. આવી જ રીતે એક ખેડૂત તેનો પાક વેચવા માટે એપીએમસી માર્કેટ કે મંડીમાં જાય છે, ત્યાં તેને માલના પૈસા કેટલા મળશે તે કહેવામાં આવે છે. ત્યારે ખેડૂત માલ આપે છે અને સામેવાળી વ્યક્તિ તેને પૈસા આપે છે. આ બંને હાજર બજારના ઉદાહરણો છે.
એટલે કહેવાનો મતલબ એ છે કે હાજર બજાર એટલે પૈસા આપો અને તુરંત માલની ડિલિવરી થતી હોય અથવા તો થોડા દિવસમાં (11 દિવસના અંદર) માલની ડિલિવરી થવાની હોય તેને હાજર બજાર અથવા સ્પોટ માર્કેટ અથવા ફિઝીકલ માર્કેટ અથવા કેશ માર્કેટ અથવા તો રોકડું બજાર પણ કહી શકાય છે.
આ પણ વાંચો – સોનાના વાયદાના ભાવમાં રૂ.918 અને ચાંદીમાં રૂ.3,081નો સાપ્તાહિક ધોરણે કડાકો
બીજી બાજું વાયદા બજાર વિશે વાત કરીએ તો, એક એવા પ્રકારનું ઓનલાઈન બજાર જેમાં ભવિષ્યની તારીખનો સોદો તમે અત્યારથી જ કરી નાખો તેને વાયદો કહેવાય. વાયદા બજારમાં તમે ક્યાંયથી પણ સોદા કરતાં હોવ પરંતુ જે-તે કોમોડિટીના વાયદાના ભાવ દરેક જગ્યાએ એકસમાન જ હોય છે. સોનાનું જ ઉદાહરણ લઈએ તો હાજર બજારમાં તમે સોનું ખરીદવા જાવ તો મુંબઈમાં અલગ ભાવ હોય, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, દિલ્હી વગેરે અન્ય જગ્યાએ તમને અલગ ભાવ જોવા મળે છે. આટલું જ નહીં બાજુ-બાજુમાં બે સોનીની શોપ્સમાં તમે ભાવ જુઓ તો પણ અલગ-અલગ હોઈ શકે છે, જ્યારે વાયદા બજાર પર ભાવ જે તમે એક્સચેન્જની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન કે તમે તમારા બ્રોકરને પૂછો તો એકસમાન જ મળશે. ભવિષ્યની તારીખના ભાવનો અંદાજ તમે ક્યાંય પણ બેઠા-બેઠા મેળવી શકો છો, દા.ત. કોઈ ખેડૂત ખેતરમાં હોય, ગામના ચોરે બેઠો હોય, કે ક્યાંય મંદિરમાં હોય કે બસમાં મુસાફરી કરતો હોય ત્યારે પણ તે પોતાના કપાસ કે કોટનના ભાવ જોઈ શકે છે અને તેને એમ લાગે કે કપાસ કે કોટનના ભાવ અત્યારે વધારે ચાલી રહ્યા છે તો તે ત્યાં બેઠાં-બેઠાં જ વાયદાનો સોદો કરી શકે છે. કોમોડિટી વાયદો એટલે કોઈ ચોક્કસ કોમોડિટીમાં ચોક્કસ ભાવે, નિશ્ચિત ક્વોન્ટિટી અને નિશ્ચિત ક્વોલિટીનો માલ ભવિષ્યની ચોક્કસ તારીખે ખરીદવા કે લેવા માટેનો એક કરાર કરવામાં આવે છે તેને વાયદાનો કોન્ટ્રેક્ટ્સ કહેવામાં આવે છે. વાયદાના કોન્ટ્રેક્ટ્સના સોદા એમસીએક્સ જેવા કોમોડિટી એક્સચેન્જો પર થતાં હોય છે.
કોમોડિટી વાયદાના કોન્ટ્રેક્ટને કોમોડિટી ડેરિવેટિવ્ઝ પણ કહેવામાં આવે છે. આ ડેરિવેટિવ્ઝ શબ્દ આવ્યો ક્યાંથી તે આપણે જોઈએ. ડેરિવેટિવ્ઝ એટલે કે ડિરાઈવ ફ્રોમ એટલે કે બીજામાંથી જેના ભાવ પ્રાપ્ત થતા હોય તેને ડેરિવેટિવ્ઝ કહી શકાય. દા.ત. ખાંડ છે તે શેરડીમાંથી બને છે. જો શેરડીના ભાવ વધે તો ખાંડના ભાવ વધે છે માટે ખાંડના ભાવ શેરડી પર આધારિત છે એટલે ખાંડને તમે ડેરિવેટિવ્ઝ કહી શકો છો. આવી જ રીતે વાયદા બજારમાં કોમોડિટી વાયદાના ભાવ કેવી રીતે નક્કી કરી શકાય તે જોઈએ.
આ પણ વાંચો – કોટનમાં 1,30,600 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.430નો ઉછાળો
કઈ કોમોડિટીના ભાવ ભવિષ્યની તારીખે કેટલા હશે તે કેવી રીતે અનુમાન લગાવી શકીએ. તો જણાવી દઉં કે અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે અને સમજો નવેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવ કેટલા થાશે તેનો અંદાજ બાંધવો હોય તો તમારે અત્યારે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં હાજર બજારમાં સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તે તથા તેના પર રોકેલી મૂડીનું વ્યાજ અને તેને જાળવી રાખવાનો ખર્ચ આ બંને ને કોસ્ટ ઓફ કેરી કહેવામાં આવે છે, એટલે હાજર બજારમાં સોનાનો ભાવ + કોસ્ટ ઓફ કેરી = વાયદા બજારનો ભાવ.
હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને સમજો નવેમ્બર મહિનામાં તમારા ઘરે કોઈના લગ્ન આવવાના છે. અને સામાન્ય રીતે લગ્નગાળાની સિઝન આવે એટલે સોનાના ભાવ આસમાને ચડી જતા હોય છે. એટલે તમારી પાસે બે વિકલ્પ રહે છે. એક તો તમે અત્યારથી જ નીચા ભાવે સોનું ખરીદી લો, અથવા તો નવેમ્બર મહિનામાં ઊંચા ભાવે સોનું ખરીદો. જો નવેમ્બર મહિનામાં સોનું ખરીદો તો તમને ભાવ વધી જવાથી નુકસાન થાય છે, જ્યારે અત્યારથી સોનું ખરીદી લો તો એક તો તમારી મૂડી રોકાઈ જાય અને બીજું ઘરે રાખો તો ચોરી થવાનો ડર રહે માટે તમારે તેને કોઈ લોકરમાં રાખવું પડે, તો તેનો ખર્ચ પણ વધી જાય છે.
આની સામે જો તમે વાયદા બજાર પર સોનાનો મિની નવેમ્બર મહિનાનો કોન્ટ્રેક્ટ ખરીદો તો તમારે એક તો પૂરા પૈસા આપવા નથી પડતા. માત્ર સાતથી આઠ ટકા પ્રારંભિક માર્જિન અને ઈએલએમ ચુકવવાનું હોય છે અને બીજું આ સોદો ઓનલાઈન થતો હોવાથી અને તેની ડિલિવરી નવેમ્બર મહિનામાં મળવાની હોવાથી તેને રાખવાની પણ મૂંઝવણ રહેતી નથી. બીજું નવેમ્બર મહિનામાં સોનાના ભાવ વધી જાય તો પણ નુકસાન જતું નથી અથવા તો ઓછું થઈ જાય છે.
આ પણ વાંચો – ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં નોંધાયું રૂ.12,123 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર
જે તમે વાયદા બજાર પર સોદા કરવા માગતા હોવ તો તમારે પહેલા તમારી નજીકમાં કોઈ સભ્ય બ્રોકર પસંદ કરવો પડશે. આ બ્રોકર એવો પસંદ કરવો જોઈએ કે જે એક્સચેન્જ અને સેબીમાં રજિસ્ટર્ડ થયેલો હોવો જોઈએ. આ સભ્ય એક્સચેન્જ પર રજિસ્ટર્ડ થયેલો છે કે નહીં તે પ્રત્યેક એક્સચેન્જની વેબસાઈટ પર જોઈ શકાય છે. હવે તો અમુક બેન્કો પણ કોમોડિટીમાં ટ્રેડિંગની સુવિધા આપે છે તો તમારું જ્યાં સેવિંગ્સ એકાઉન્ટ હોય ત્યાં પૂછપરછ કરી જુઓ કે તેઓ ટ્રેડિંગની સુવિધા આપે છે કે નહીં. જો તમારી બેન્ક આ સુવિધા આપતી હોય તો તમને તમારા પૈસા તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવાનું સરળ બની જાશે. જો તમને બેન્કની બ્રોકરેજ ફી વધારે લાગતી હોય તો તમે બહારના કોઈ એક્સચેન્જમાં રજિસ્ટર્ડ બ્રોકર પાસે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. બ્રોકર સ્તરે કેવાયસી એટલે કે નો યોર ક્લાયન્ટની વિગતો પૂરી પાડો એટલે કે તમારો ફોટો આઈડી, એડ્રેસ પ્રૂફ, પેનકાર્ડની વિગતો, બેન્ક ડિટેઈલ્સ વગેરે આપવી ફરજિયાત હોય છે. ત્યારબાદ તમારી કેવાયસીની વિગતોની ચકાસણી થયા બાદ તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખૂલી જાશે.
અત્રે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ટ્રેડિંગ માટેની તમામ વિગતો તમારે જાણી લેવી જોઈએ, જેમ કે બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, માર્જિન્સ, ટેક્સેશન અને સ્ટેમ્પ ડ્યૂટી, ડિફોલ્ટ પેનલ્ટીઝ અને આર્બિટ્રેશનની વિગતો અને માર્જિન્સની વિગતો બરાબર સમજી લો. એક્સચેન્જના નિયમો અને પેટા નિયમો ધ્યાનપૂર્વક વાંચી જાવ. લઘુત્તમ પ્રારંભિક માર્જિનની જરૂરિયાતની વ્યવસ્થા કરો અને માર્ક-ટુ-માર્જિન જરૂરિયાતો પર તમારી જાતને અપડેટ રાખો. કોમોડિટી વાયદા બજારમાં શું કરવું અને શું ન કરવું તેની વિગતો ધ્યાનપૂર્વક વાંચી લો. ત્યારબાદ તમને જે કોમોડિટીમાં ભાવનો અંદાજ વધારે બાંધી શકો છો એવી કોમોડિટી પસંદ કરો. તે કોમોડિટીના ભાવને અસરકરતાં પરિબળોનો અભ્યાસ કરો અને ત્યારબાદ તમે ટ્રેડિંગ કરશો તો તમને નુકસાન જવાનો ઓછો સંભવ રહેશે.
બીજી એક બાબત કેટલાંક બ્રોકરો તમને ઓછું માર્જિન ભરીને વધારે ટ્રેડ કરવાનું કહેતા હોય છે, પરંતુ આવું કરવાથી જો તમને નફો થતો હશે તો વાંધો નહીં આવે પરંતુ જો નુકસાન જતું હશે ત્યારે તમારે માર્જિન મની ચુકવવા માટે તમારે નાકે દમ આવી જશે માટે કહેવાય છે ને કે જેટલી ચાદર એટલા જ પગ ફેલાવવા જોઈએ.
ટ્રેડિંગ કરતી વખતે તમારે જે-તે કોમોડિટીઝમાં તમે ટ્રેડ કરવાના હોવ કે કર્યો હોય તે કોમોડિટીના ભાવને અસરકરતાં પરિબળો પર ખાસ નજર રાખવી જોઈએ જેમ કે માંગ અને પુરવઠો, મોસમની સ્થિતિ, કોમોડિટીને લગતા સમાચારો, જિયો-પોલિટીકલ પરિબળો, આર્થિક પરિસ્થિતિ જે જીડીપી, વપરાશનો દર, ઉત્પાદનનો દર, માથાદીઠ આવક, રોજગારીનો દર, ફુગાવાનો દર વગેરે પરથી જાણી શકાય છે, આ ઉપરાંત કરન્સી એટલે કે જે-તે દેશનું ચલણ અને અમેરિકી ડોલર વચ્ચેની વધઘટ પણ ભાવને અસર કરતી હોય છે. વ્યાજના દરોમાં ફેરફાર પણ એક અગત્યનું પરિબળ છે. સરકારી પોલીસીઓ અને નિર્ણયો પણ ભાવને અસર કરતા હોય છે એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી), જે-તે કોમોડિટીઝની આયાત-નિકાસ પર લાગુ પડતા ટેક્સ વગેરે ભાવને અસર કરતા હોય છે.
બીજી એક સાવચેતી એ રાખવી જોઈએ કે તમારે જાતે જ કોમોડિટીનું સંશોધન કરીને ભાવ વધશે કે ઘટશે તેનો અંદાજ બાંધવો જોઈએ. કોઈની પાકી કહેવાતી ટિપ્સ કે અફવાઓ પર નિર્ભર રહેવું ન જોઈએ. આવી ટિપ્સથી તમને મોટું નુકસાન જવાનો સંભવ વધારે હોય છે. માટે સંભાળીને લે-વેચના નિર્ણયો લેવા જોઈએ.
વાયદા બજારમાં રોકડામાં ક્યાંય પણ વહેવાર થતો નથી એટલે તમારે કાં તો ઓનલાઈન ટ્રાન્સફર કરીને પૈસાની ચુકવણી કરવી જોઈએ અથવા તો તમારા બ્રોકરને ચેક દ્વારા પેમેન્ટની ચુકવણી કરવી જોઈએ. તમારે તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ તમારા પોતાના જ આપવા જોઈએ જેથી જ્યારે પણ તમે સોદો કરો કે તરત જ તમને અલર્ટ મળતું રહે, જેથી ફ્રોડથી બચી શકાય. તો મિત્રો આ તમામ બાબતોનું ધ્યાન રાખીને જો તમે સોદા કરશો તો તમે ફાયદામાં રહેશો.
(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)