આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં તેજસ્વીનું બિરૂદ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓના માથે પિતાની છત્રછાયા ન હોવા છતા માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે. અમદાવાદની જમાલપુર વિસ્તારમાં રહેતી અને એફ.ડી સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની આશિયા સિદ્દકી ધોરણ-10માં 99.45 ટકા સાથે પાસ થઈ છે. તેના પિતા એક કોલેજમાં પટાવાળા છે. તો બીજી બાજુ સુરતના વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી ભીમજીભાઈ ઢોલરીયાએ પિતાની કિડનીની બીમારી વચ્ચે અભ્યાસ કરીને 99.99 ટકા મેળવ્યા છે. તેના પિતાને અઠવાડિયામાં બે વાર ડાયાલીસીસ કરવવાનું પણ હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ આયુષીને ન્યુરોલોજીસ્ટ બનવાની ઈચ્છા છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારમાં સીંગ ચણાની લારી લઇ ઉભા રહેતા અને સીંગ ચણા બીજડાં વેચી પરિવારનું ગુજરાન ચલાવનારનો દીકરો મીત હસમુખભાઈ પરમારે એસએસસી બોર્ડની પરીક્ષામાં 99.81 પર્સેન્ટાઈન અને 93.16 ટકા પરિણામ મેળવતા પરિવારમાં ખુશી પ્રસરી જવા પામી હતી. જ્યારે અમદાવાદની ઋત્વિ સોનીને ધોરણ 10ની બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં 98.81 પર્સેન્ટાઈલ આવ્યા છે. તેના પિતા મહેશભાઈ સોનીનું 6 વર્ષ પહેલા ટીબીના કારણે મોત થયું હતું. પિતાના મોત બાદ માતા અને ભાઈએ તેને ભણાવી હતી.તેના ભાઈએ અગરબત્તી અને ઝેરોક્સની દુકાન ચલાવીને બહેનને ભણાવી હતી. બહેને પણ ભાઈની મહેનતનું બરાબર વળતર આપીને ઉત્કૃષ્ઠ 88 ટકા પરિણામ લાવી હતી. ઋત્વિ સારા પરિણામ માટે રોજ 14થી 15 કલાક ભણતી હતી. હવે તે તેના પિતાનું સપનું સાકાર કરવા માટે યુપીએસપી પાસ કરવા માંગે છે. હવે તે યુપીએસપી પાસ કરવા માટે એ મુજબનું ભણવામાં આગળ વધશે.

Contribute Your Support by Sharing this News: