કહેવાય છે કે, ગામડાથી શહેરની શરૂઆત થાય છે, પણ ગામડાની હાલત આજની પરિસ્થિતિએ કથળી હોય તેવું લાગી રહ્યું છે. વિકાસ હવે શહેર પુરતો જ સિમિત રહ્યો છે અને ગામડાઓ પર નજર કરવામાં આવતી નથી. મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ બાકરોલથી ગોખરવા જવાના રસ્તે મેશ્વો નદી પર કહેવા પુરતો ડીપ બનાવેલો હોય એવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે કારણ કે, આસપાસના લોકો અન્ય ગામ સાથે જોડાયેલા રહે, પણ તંત્ર નથી ઇચ્છતું કે, ગામડાઓનો વિકાસ થાય. કારણ કે, ઇચ્છતું હોત તો છેલ્લા એક વર્ષથી તૂટી ગયેલા ડીપનું અત્યાર સુધીમાં સમારકામ કરી દીધું હોત.વાત જાણે એમ છે કે, મહાદેવ ગ્રામ બાકરોલ થી ગોખરવા જવાના માર્ગ પર મેશ્વો નદી પર ડિપ બનાવાયો છે, જેના પર છેલ્લા એક વર્ષથી ગાબડું પડી ગયું છે, પણ કોઇનું ધ્યાન નથી જતું કે, પછી નજર કરવામાં નથી આવતી તે એક સવાલ છે. ડિપ ઉપરથી સલામત છે, પણ ખનીજ માફિયાઓ નીચેથી કાંકરો કાઢી નાખે છે, જેથી આવા ગાબડા પડી જાય છે. આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે, અને ડિપ ફરીથી સંપૂર્ણ તૂટશે, અને આસપાસના દસ જેટલા ગામનો સંપર્ક વિહોણા થવાની શક્યતા છે, પછી અધિકારીઓ દોડી જશે અને પૂછશે કે, કેટલા સમયથી આવું છે, તમે જાણ કરી છે, ક્યારે કરી છે.. આવા સવાલો ગોખેલા છે, જે ચાલતા રહેવાના. ચોમાસું આવશે અને પછી બધા ત્યાં દોડી જશો, એના કરતા હવે ખબર પડી છે, તો તપાસ કરાવો અને સમારકામ કરાવો, ખાલી ગામ લોકો હેરાન થશે અને પછી દોડશો, તે નકામું રહેશે. જે રીતે લાકડાને ઉધઇ નષ્ટ કરી નાખે છે, તેવી રીતે માફિયાઓ ડિપ નીચેની મલાઈ ખાઈ જાય છે, અને ડીપનો ઉપરનો ભાગ આપોઆપ ખોખલો બની જાય છે, પછી ચોમાસું આવે એટલે ડિપ ધડામ કરીને બેસી જશે. આવી સ્થિતિ પર તંત્રએ ખરેખર ધ્યાન આપવું જોઇએ અને વિકાસની વાતો કરતા પહેલા ગામડાઓની સાચી સ્થિતિ શું છે તેને પણ નજર અંદાજ ન કરવું જોઇએ. અધિકારીઓએ હાઈવે થી જવા કરતા આવા રસ્તાઓ પરથી પસાર થવું જોઇએ જેથી ખ્યાલ આવે કે, જિલ્લાનું ગામડું ક્યાં છે.

Contribute Your Support by Sharing this News: