– પૂરણ વાઈસ કેપ્ટન : ફિટનેસની સમસ્યાથી પરેશાન હેતમાયરને તક નહી
– વન ડે ટીમમાં સામેલ ૧૧ ખેલાડીઓને ટી-૨૦ ટીમમાં પણ સ્થાન : ૧૬ ફેબ્રુઆરીથી ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ થશે
— વિન્ડિઝનો ભારત પ્રવાસ
૬ ફેબ્રુઆરી પ્રથમ વન ડે અમદાવાદ
૯ ફેબ્રુઆરી બીજી વન ડે અમદાવાદ
૧૧ ફેબ્રુઆરી ત્રીજી વન ડે અમદાવાદ
૧૬ ફેબ્રુઆરી પ્રથમ ટી-૨૦ કોલકાતા
૧૮ ફેબ્રુઆરી બીજી ટી-૨૦ કોલકાતા
૨૦ ફેબ્રુઆરી ત્રીજી ટી-૨૦ કોલકાતા
વેસ્ટ ઈન્ડિઝે ભારત પ્રવાસ માટેની પોલાર્ડની કેપ્ટન્સી હેઠળની ૧૬ સભ્યોની ટી-૨૦ ટીમની જાહેરાત કરી દીધી છે. પોલાર્ડના ડેપ્યુટી તરીકે નિકોલસ પૂરણની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા હેતમાયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ડેસમંડ હેઈન્સની આગેવાની હેઠળની સિલેક્શન પેનલે હાલ ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમી રહેલી ટીમને જ ભારત સામેની શ્રેણી માટે યથાવત્ રાખી છે.
ભારત અને વિન્ડિઝ વચ્ચે ૧૬મી ફેબુ્રઆરીથી ત્રણ ટી-૨૦ની શ્રેણીનો પ્રારંભ થશે. જે પછી ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ બાકીની બે ટી-૨૦ રમાશે. ત્રણેય ટી-૨૦ કોલકાતામાં રમાશે. જ્યારે તે અગાઉ તારીખ ૬, ૯ અને ૧૧ ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે વન ડે શ્રેણી રમાશે. જેની તમામ મેચો અમદાવાદમાં રમાશે.
અગાઉ વિન્ડિઝની પસંદગી સમિતિએ ભારત પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાત કરી હતી. તેમાં સામેલ ૧૧ ખેલાડીઓને ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાં પણ સમાવવામાં આવ્યા છે. તાજેતરમાં વિન્ડિઝના મીડિયામાં વાઈરલ બનેલી વોઈસ ટેપમાં પોલાર્ડે કથિત રીતે જે ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો હોવાનું મનાય છે તે ઓડેન સ્મિથે પણ ટીમમાં તેનું સ્થાન જાળવી રાખ્યું હતુ.
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પ્રભાવ પાડનારા રોવમાન પોવેલ અને હોસૈનને વિન્ડિઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વિન્ડિઝની ટી-૨૦ ટીમ : પોલાર્ડ (કેપ્ટન), પૂરણ (વાઈસ કેપ્ટન), એલન, ડેરૈન બ્રાવો, ચેઝ, કોટ્રેલ, ડ્રાકેસ, હોલ્ડર, શાઈ હોપ, હોસૈન, કિંગ, પોવેલ, શેફર્ડ, સ્મિથ, માયેર્સ, હેડન વોલ્શ જુનિયર.
વિન્ડિઝની વન-ડે ટીમ : પોલાર્ડ (કેપ્ટન), એલન, બોન્નેર, ડેરૈન બ્રાવો, બૂ્રક્સ, હોલ્ડર, શાઈ હોપ, હોસૈન, જોસેફ, કિંગ, પૂરણ, રોચ, શેફર્ડ, સ્મિથ, હેડન વોલ્શ જુનિયર.
(ન્યુઝ એજન્સી)