મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો
ટ્રક અને કાર બંને પુરપાટ ઝડપે દોડતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે
ગરવી તાકાત, તા. 21- રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રી દરમિયાન જાનૈયાઓની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં 9 જાનૈયાના મોત થયા છે. જ્યારે કે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ તમામ લોકો અકલેરાના જ રહેવાસી હતા. તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે મધ્યપ્રદેશ ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે અકલેરા વિસ્તારમાં જ અકસ્માતની ઘટના બની હતી. હાલ તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક કારણ મુજબ ટ્રક અને કાર બંને પુરપાટ ઝડપે દોડતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ તમામ લોકો એક વાનમાં મધ્યપ્રદેશથી ડુગરગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકલેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા નજીકના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બેઠેલા બાગરી સમુદાયના 9 યુવકોના મોત થયા છે. માહિતી મળતા જ એએસપી ચિરંજીલાલ મીણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ટ્રોલી ચાલકને ઝડપી લીધો છે. પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. વાહનવ્યવહાર અને માર્ગ સુરક્ષા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝાલાવાડના અકલેરામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝાલાવાડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વાહનો ધમધમે છે, પરંતુ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.