મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો, તપાસ નહી થાય તો આંદોલનનિ ચિમકી..
પાલનપુર તાલુકાના વાધણા ગામે મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના અગાઉ ગામના ડેપ્યુટી સરપંચ ભરતભાઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જો કે તેમ છતાં પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતાં હવે ધરણા પર બેસવાની અને જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી પણ ચીમકી ડેપ્યુટી સરપંચ દ્વારા આપવામાં આવી છે.
પાલનપુર તાલુકાના વાધણા ગામે મનરેગા યોજના અંતર્ગત છેલ્લા ૮ વર્ષથી કોઇપણ કામ થયું જ ન હોવા છતાં મનરેગાના જોબકાર્ડ બનાવી બારોબાર પૈસાનું ઉઠમણું થઈ ગયું હોવાના આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભરતભાઇ દ્વારા કરવામાં આવ્યાં હતા. તે ઉપરાંત વાધણાથી રામસીડા તરફ જતા માર્ગમાં પણ ભ્રષ્ટાચાર આચરી માત્ર સામાન્ય મેટલ પાથરી ગેરરીતી થઇ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ મામલે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયાં હતાં તેમ છતાં પણ ઉચ્ચ કક્ષાએથી પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતા આખરે ડેપ્યુટી સરપંચ દ્વારા આજે ફરીથી ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી ન્યાયની માંગ કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે ગામના જે લોકોના જોબકાર્ડ ઓનલાઈન બતાવી રહ્યાં છે તે ગામના લોકો બધા અમે ભેગા થઇને આ બાબતે ધરણાં પર બેસીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી પણ સમગ્ર મામલો લઇ જઇ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તો પણ ખખડાવીશું તેમ જણાવ્યું હતું.