— પીવાના ૫ણીની લાઈન લીક થવાનો સિલસિલો યથાવત ?? :
— નર્મદાના પાણીથી વંચિત રહીશોને 40 લાખ લિટર બોરનું પાણી વિતરણ કરાયું :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન છાસવારે લીકેજ થવાની ઘટના રોજીંદી બની ગઈ છે. ગઈકાલે બુધવારે શહેરના નાગલપુર નજીકના કબ્રસ્તાન પાછળના વૃધ્ધાશ્રમ નજીક પીવાના પાણીની લાઈન લીક થતાં પાણીની રેલમછેલ થઈ હતી. નર્મદાનું પાણી બંધ થયું હતુ. તેથી લોકોને પાલિકાએ ૪૦ લાખ લિટર બોરનું પાણી વિતરણ કરવું પડયું હતુ. જેની જાણ થતાં નગરપાલિકાની ટીમે તાબડતોબ પાણીની લાઈનને રિપેર કરી નાખી હતી.
મહેસાણા શહેરના નાગલપુર, કબ્રસ્તાન પાછળ, વૃધ્ધાશ્રમ પાસે ગઈકાલે બુધવારે નર્મદાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. નર્મદાના પાણીની નહેર વહેતી જોવા મળી હતી. આ વિસ્તારના હજારો રહીશોને નર્મદાનું પાણી મળતું બંધ થયું હતુ. પાણીની આશરે ૨૪ ઈંચ ડાયામીટરની એટલે કે ૬૦૦ મિ.મિ.પહોળાઈની પાઈપ લીક થતાં લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. પાણી વગર લોકોને ટળવળવાની નોબત આવી હતી.
પાલિકા દ્વારા લોકોને ૪૦ લાખ લિટર બોરનું પાણી વિતરણ કરવામાં આવ્યું હોવાનું વર્તુળોએ જણાવ્યું હતુ. પાણીની લાઈન લીક થયાન જાણ થતાં નગરપાલિકાના વોટર વર્ક્સ શાખાની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે ધસી જઈને પાણીની લાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, છાસવારે શહેરમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતું હોવાથી લોકો કફોડી હાલતમાં મુકાઈજાય છે. આવી ઘટના ફરીથી સર્જાય નહીં તેના માટે પાલિકા દ્વારા ઠોસ પગલાં ભરવાની માગણી વિસ્તારના રહીશોએ દોહરાવી હતી.