– વર્ષોથી પીવાના પાણી માટે ટળવળી રહેલા :
– બાલારામ નજીકના ધનપુરા ડેમનું પાણી મલાણા તળાવમાં નાખવામાં નહીં આવેતો આદોલનને ઉગ્ર બનાવાશે :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના સૌથી મોટા મલાણા ગામના તળાવમાં પાણી નાખવા માટે જન આંદોલન ઉગ્ર બની રહ્યું છે. જેમાં અગાઉ પાલનપુર ખાતે વિશાળ ખેડૂત રેલી યોજાયા બાદ પણ પાણીની માંગ સંતોષવામાં ન આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી પાલનપુરમાં મહિલાઓએ વિશાળ રેલી યોજી હતી.
જળ સંકટનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં ઉનાળામાં સિંચાઈ તેમજ પીવાના પાણીની જટિલ સમસ્યા સર્જાતાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે પાણીના અભાવે ખેતી અને પશુઓનો નિભાવ મુશ્કેલ બનતા તાલુકાના સૌથી મોટા મલાણાના તળાવમાં પાણી નાખવા અગાઉ વિશાળ ખેડૂત રેલી યોજવામાં આવી હતી.
તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા મલાણા પંથકની ચાર હજાર જેટલી મહિલાઓ અને ચાર હજાર ખેડૂતો દ્વારા બુધવારે પાલનપુર ખાતે બેનરો સાથે ત્રણ કિલોમીટર પગપાળા રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાલારામ નજીક આવેલ ધનપુરા ડેમનું પાણી મલાણા તળાવમાં નાખવા માંગ કરી હતી. અને આ કામગીરીમાં વિલંબ કરવામાં આવશે તો પાલનપુર ખાતે અચોક્કસ મુદતના ધરણાં યોજવા, ગાંધીનગર કૂચ કરવી,રસ્તા રોકો આંદોલન અને જેલ ભરો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
— મલાણા પંથકના ગામોમાં બંધ પળાયો :
મલાણા તળાવમાં પાણી ભરવાને લઈ મહિલાઓ ના જળ આંદોલનના સમર્થનમાં મલાણા પંથકના પચાસ જેટલા ગામોના નાના મોટા વેપારીઓએ બપોર સુધી પોતાના ધધાં રોજગાર બંધ કરી જળ આંદોલનને સમર્થન આપ્યું હતું.
— તળાવમાં પાણી લાવવા બાબતે કલેકટર અવઢવમાં :
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, મલાણા તળાવમાં ક્યાંથી કેવી રીતે પાણી લાવવું તે માટે સિંચાઈ વિભાગના સર્વે બાદ આગેવાનો સાથે બેઠક કરી જેમાં નક્કી કર્યા બાદ સરકારને ધ્યાન પર લાવી યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. જોકે હાલ પાટણના કસરાથી પાણી લાવવાની કામગીરી શરૃ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર