સ્થાનીક સ્વરાજના ઈલેક્શન સમયે ચુંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા વિસનગરના ઐતીહાસીક પીંઢારીયા તળાવને વિકસાવવા મોટા મોટા બણગા ફુકાયા હતા. જેમાં અગાઉ ભાજપની બોડી દ્વારા આ તળાવને વિકસાવવાના નામે 3.61 કરોડના ખર્ચે પણ બતાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની તસ્વીરોને જોઈ નથી લાગતુ કે, દર્શાવવામાં આવેલ ખર્ચ ખરેખર તળાવના સોંદર્યીકરણ પાછળ વપરાયો હોય બલ્કે તે પૈસા તત્કાલીન નેતાઓના ખીસ્સામાં જ ગયા હશે તેવી સાક્ષી ખુદ તળાવ પુરી રહ્યુ છે.
વિસનગરના ઐતીહાસીક તળાવની વર્તમાન હાલત જોઈ વહીવટી તંત્રની અણઆવડત અને ભ્રષ્ટાચારની બુ આવી રહી છે. જેમાં અગાઉની ભાજપની નગરપાલીકાની બોડી દ્વારા 3.61 કરોડના ખર્ચે આ તળાવને વિકસાવવામાં આવ્યુ હતુ. પરંતુ અત્યારે અહિયા ગંદકીનુ સંગ્રહસ્થાન બની ગયુ છે. ભાજપની નગરપાલીકાએ જંગી રકમ ખર્ચ કરી સોંદર્યીકરણના નામે તળાવની ફરતે દિવાલ તથા પોઠીયા મુક્યા હતા. પરંતુ સોંદર્યીકરણના નામે કાચુ કામ થયુ હોવાથી દિવાલો તથા પોઠીયા થોડા જ સમયમાં તુટીની જમીનદોસ્ત થઈ ગયા છે.
ઉત્તર ગુજરાતની વિસનગર નગરપાલીકા વેરા ઉઘરાવવામાં સુરી છે. પરંતુ જ્યારે જનતાને સુવીધા આપવાની વાત આવે ત્યારે ફીસડ્ડી સાબીત થાય છે. વિસનગરમાં દુકાનદાર વેરો ના ભરે તો કડકાઈથી તેમની દુકાનોને સીલ કરી દેવામાં આવતી હોય છે. કોઈનો મકાન કે પાણી વેરો બાકી હોય તો કનેક્શન કાપવા પ્રખ્યાત થયેલી વિસનગર નગરપાલીકાને જ્યારે જનતાને સુવીધા આપવાની વાત આવે ત્યારે બગલ તાકવાનુ કામ કરે છે.
હાલ આ તળાવનો ઉપયોગ લોકો કચરો ઠાલવવા માટે કરી રહ્યા છે. પરંતુ જ્યારે ચુંટણીનો સમય હતો ત્યારે ભાજપના નેતાઓ આ તળાવને વિકસાવવા માટે આમ કરીશુ અને તેમ કરીશુ જેવા દાવાઓ કરતા હતા. હવે જ્યારે ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે તેમના દાવાઓ પોકળ સાબીત થઈ રહ્યા છે. ઉપરાંત આ તળાવમાં બોટની સુવીધા પણ પુરી પાડવાની વાત ચાલી રહી હતી તે બોટના પણ કોઈ ઠેકાણા નથી. આસપાસના વૃક્ષો પણ સુકાઈ ગયા છે. તળાવની આસપાસ કરેલ બાંધકામ કાચુ લોટ જેવુ હોવાથી તથા હલ્કી ગુણવત્તાનો માલ સામાન વપરાયો હોવાથી વરસાદમાં તુટી ગયુ છે. આથી જો પુરની સ્થિતી સર્જાય તો આસપાસના વિસ્તારમાં જાનહાનીની શક્યતા પણ સેવાઈ રહી છે.
આ તરફ હવે ભાજપના વર્ષાબેન પટેલ નવા નગરપાલીકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા છે ત્યારે તેમની પણ આ તરફ ઉદાશીનતા સ્પષ્ટ સામે આવી રહી છે. ઉપરાંત ભાજપ પાર્ટીના જ ધારાસભ્ય ઋષીકેશ પટેલ ત્રણ ટર્મથી આ વિધાનસભા ક્ષેત્રમાંથી ચુંટાઈ રહ્યા છે. તેઓ પણ આ મામલે અંગત રસ દાખવવામાં સંદતર નિષ્ફળ સાબીત થયા છે. વિસનગરની જનતાએ ખોબલે ને ખોબલે મત આપી ભાજપના ઉમેદવારોને નગરપાલીકામાં વહીવટ કરવા મોકલ્યા હતા. પરંતુ ભાજપનુ વહીવટતંત્ર પાયાની સુવીધા આપવામાં ખાડે જતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમા આ રોષ હવે આંદોલનમાં પરીવર્તીત થાય નહી તે પહેલા પ્રમુખ વર્ષાબેન અને ધારાસભ્ય ઋષીકેશ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લાગણી અને માંગણી ઉઠી રહી છે.