ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન 

December 25, 2022

ભારતની મહાન સંત પરંપરાને અને પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરી શ્રદ્ધાંજલિ 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ૨૦૨૨માં ભારતભરમાં યોજાયા હતાં ૨૧ સંત સંમેલનો

૨૦૨૨માં વિદેશોમાં પણ ૧૦ જેટલી ‘યુનિટી ફોરમ’ દ્વારા ૩૩૫ કરતાં વધુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓના ૧૦૦૦ કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે  BAPS ના સંતો દ્વારા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું

સંધ્યા સભામાં BAPSના સંતવૃંદ દ્વારા ભક્તિ સંગીત – કીર્તન આરાધનાના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી, BAPS ના વરિષ્ઠ સંતો દ્વારા મનનીય વક્તવ્યો થયાં  

ગરવી તાકાત, અમદાવાદ – ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ સંત પરંપરાની ભેટ આપીને તેને ગૌરવાન્વિત કરી. તેમણે ૩૦૦૦ થી વધુ પરમહંસો દ્વારા પવિત્ર નૈતિક, આધ્યાત્મિક જીવન જીવવા લાખો લોકોને પ્રેરિત કરીને શાંત ક્રાંતિ કરી હતી. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુ પરંપરાના પાંચમા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મની મહાન સંત પરંપરાનું ગૌરવ વધાર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના આ અપ્રતિમ યોગદાનને અંજલિ અર્પવા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે રાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં ૨૫૦ કરતાં વધુ સંતો, મહંતો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે ૯ વાગ્યે નગરના મુખ્ય દ્વાર પાસે સર્વે અતિથિ સંતોનું વૈદિક મંત્રોચ્ચાર અને શાંતિ પાઠ સાથે પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી સર્વે સંતો શોભાયાત્રાના સ્વરૂપમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાલ પ્રતિમા પાસે પહોંચ્યા. ત્યાં વેદોક્ત પૂજન સાથે સૌ સંતોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. પૂજન અને પ્રદક્ષિણા બાદ સર્વે સંતોએ સમ્મેલનના સભાગૃહમાં સ્થાન ગ્રહણ કર્યું.  સંધ્યા સભામાં BAPS ના સંગીતવૃંદ દ્વારા  ભક્તિ સંગીતના વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના પૂજ્ય આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના સંતત્વના વિરલ ગુણો વિષે વક્તવ્ય આપ્યું હતું.   BAPS ના વરિષ્ઠ સંતો – પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય (કોઠારી) સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી દ્વારા સાધુતાના શિખર એવા પ્રમુખસ્વામી મહારાજ વિષે મનનીય પ્રવચનો કરવામાં આવ્યા હતાં.

પૂ. ચિદાનંદ સરસ્વતી, પરમાર્થ નિકેતન આશ્રમ  પ્રાતઃ સ્મરણીય અને પરમ વંદનીય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના પગલે પગલે વિશ્વભરમાં ભગવાન સ્વામિનારાયણ ના સંદેશો પહોચાડનાર મહંત સ્વામી મહારાજ ને શત શત નમન. આજે હું મારી ખુશી વ્યક્ત કરતા કહું છું કે હું પ્રથમ વખતે ૧૯૮૦ માં પ્રમુખસ્વામી મહારાજ ને મળ્યો હતો અને એમની સરળતા, સાદગી, વિનમ્રતા વગેરે મને સ્પર્શી ગઈ હતી. મેં લંડનમાં કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ “શતાબ્દી મહાપુરુષ” અને “યુગપુરુષ” હતા જેમણે સમગ્ર સમાજ ને જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રદર્શન નથી પરંતુ મારા માટે પ્રમુખસ્વામી મહારાજના વિચારો અને આદર્શો નું દર્શન છે. મારા મતે ભારતના દરેક શહેરમાં પ્રમુખસ્વામી મહારાજ નગર જેવા ભવ્ય અને દિવ્ય નગરની રચના થવી જોઈએ જે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો ને પ્રદર્શિત કરે અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે. ભારતની ભૂમિ એ શાંતિની ભૂમિ છે અને પ્રમુખસ્વામી મહારાજ નગર પણ શાંતિ અને સમર્પણની ભૂમિ છે કારણકે બહાર ૮૦,૦૦૦ દર્શકો પણ જોવા મળતા નથી જ્યારે અહી ૮૦,૦૦૦ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ જેમ ઉચ્ચ જીવન જીવવાના પથ દર્શાવતા હતા તેમ અહી પ્રમુખસ્વામી મહારાજ નગરની બહાર સ્વયંસેવકો હસતે મોઢે નગરમાં આવવાનો રસ્તો બતાવતા જોવા મળે છે. કરોડો રૂપિયા કમાનાર વ્યકિત પણ ઘરમાં પોતાના ફોટો નથી મૂકતા પરંતુ સાદગી અને વિનમ્રતાના પ્રતીક અને સમાજ સેવા માટે પોતાની કાયા સમર્પિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના ફોટો મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજે લોકોની જીવનની દિશા બદલીને જીવનપરિવર્તન કર્યાં છે અને આજે અહી હાજર તમામ સંતો ભક્તોમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે. સ્વચ્છ ભારતના દર્શન પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તાદૃશ જોવા મળે છે. જે રીતે વૃક્ષો ઓક્સિજન આપે છે તે રીતે સંતો તેમની સાધુતાથી સમાજને ઓક્સિજન આપે છે.શીખ ધર્મગુરુ શ્રી સિંઘસાહિબ જ્ઞાની રણજીતસિંહજીએ જણાવ્યું, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શિખવાનું ઘણું છે. સમગ્ર ભારત વર્ષના લોકો અહી આવશે. આટલા મોટા નગરનું આયોજન અને પ્રબંધન કઈ રીતે કરી શકાય અને તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. આપણે સૌ સૌભાગ્યશાળી છે કે પ્રમુખસ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામેશ્વરદાસજી મહારાજે જણાવ્યું, “નૈમિષારણ્ય ક્ષેત્રમાં જે રીતે ૮૮૦૦૦ ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા તે રીતે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવારૂપી તપ કરનાર ૮૦,૦૦૦ સ્વયંસેવકોને શત શત નમન કરું છું. સંપૂર્ણ વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર-પ્રસારનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે પ્રમુખસ્વામી મહારાજે  ૧૦૦૦ થી વધુ સંતો અને ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરીને ધાર્મિક ક્રાંતિ કરી છે અને તેમના પુરુષાર્થના કારણે સમગ્ર વિશ્વ તેમને સાચા અર્થમાં “પ્રમુખ” માને છે.”

સંત સંમેલનમાં પૂજ્ય સંતોનાં વક્તવ્યોના અંશો – BAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારેલા તમામ સાધુ સંતોનાં ચરણોમાં વંદન અને આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કુંભ મેળો યોજાયો છે તેવી અનુભૂતિ થાય છે. ભલે આપણે આજે અલગ અલગ સંપ્રદાયોના સંતો ભેગા થયા છીએ પણ આપણો ધર્મ એક જ છે તે આપણી સાધુતા. ૧૯૮૧માં પણ દેશભરના ૩૦૦૦ સાધુ સંતો સ્વામિનારાયણ ભગવાન દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારેલા. પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તમામ ધર્મોના સાધુ સંતોને વિશેષ ભાવ છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં જઈને હિન્દુ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો અને પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ થી પણ વધારે મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કર્યો છે.”

ભારતીય આચાર્ય સભાના પ્રમુખ, પૂજ્યપાદ પરમાત્માનંદજી મહારાજે જણાવ્યું, “સૌ પ્રથમ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજને પ્રણામ. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર છે કારણ કે આજે આ ભૂમિ સાધુ સંતોનાં ચરણકમળથી પાવન થઈ છે. કોઈ પણ સંસ્થાના પ્રાણ એ તેના સાધુ અને તેમની સાધુતા છે અને એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજે ચારિત્ર્યયુક્ત સાધુ સમાજનું નિર્માણ કર્યું છે. ગુલામીના સમયમાં અનેક મંદિરોનો વિનાશ કરવામાં આવ્યા છે તો પણ હિન્દુ ધર્મનું રક્ષણ થયું છે કારણ કે તેનું રક્ષણ ખુદ ભગવાન અને અહીં પધારેલા સાધુ સંતો કરી રહ્યા છે.”

અખાડા પરિષદ અધ્યક્ષના પૂજ્ય રવીન્દ્રપૂરી મહારાજે જણાવ્યું, “સૌ પ્રથમ હું દિવ્ય મહાન વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરું છું કારણકે તેમના જન્મશતાબ્દી મહોત્સવમાં આપણે સૌ અહીં મળ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ગુજરાતથી લઈને વિશ્વનાં દરેક ખૂણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે અને જે લોકો હિન્દુ ધર્મને માનતા નથી તેવા દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં ક્યાંય પણ ભગવા કપડાંને જોઈને સૌ વંદન કરે છે તે માટે આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના આભારી છીએ કારણ કે તેમણે સાધુ સમાજનું ગૌરવ વધાર્યું છે.”

પૂજ્ય કૃષ્ણમુનિ મહારાજે જણાવ્યું“ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વવ્યાપી બનાવવા અનેક સાધુ સંતોનું યોગદાન રહ્યું છે.  પોતાની જીવનશૈલીથી અને કાર્યોથી સમાજ ઘડતરનું કાર્ય કરવું એ આપણાં સાધુ સમાજનું કર્તવ્ય છે અને પ્રમુખસ્વામી મહારાજે તેમના સાધુતાયુક્ત જીવનથી અનેક લોકોને પ્રેરણા આપી છે.”

નિર્મલ અખાડાના અધ્યક્ષ પૂજ્ય જ્ઞાનદેવસિંહજી મહારાજે જણાવ્યું, “સૌ પ્રથમ ભારતમાં જેટલા સંપ્રદાયો છે તેના તમામ સંતો-મહંતો તેમજ પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોને વંદન કરું છું. આજે માત્ર ને માત્ર પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી ભારતવર્ષના તમામ સાધુ-સંતોનાં દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે એ આપણાં માટે સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજે તેમની પાસે આવેલા તમામ માણસોને અમૃત પીવડાવ્યું છે અને તેઓ સાચા અર્થમાં સંત પરમહિતકારી અને માનવતાના પૂજારી છે.”

આચાર્ય અવિચળદાસજી મહારાજે જણાવ્યું, “સંતોની ભૂમિકા સમાજ માટે શું હોવી જોઈએ એ સમજવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા છે. આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈ રહ્યા છીએ એના નિર્માણ કાર્યમાં આ સાધુ સંતોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે અને ઉત્તમ વ્યવસ્થાનું આયોજન કર્યું છે. ભારતમાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે અને દરેક ધર્મમાં આદર્શ ઉત્તરાધિકારીની જરૂર હોય છે અને પ્રમુખસ્વામી મહારાજે ૧૦૦૦ થી વધારે સંતોની ફોજ તૈયાર કરી દીધી છે. ધર્મ પ્રચારનું કાર્ય તો ઘણા લોકો કરી શકે છે, પણ સાચા અર્થમાં જેણે પોતાના ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય તે જ સંત સમાજનો ઉદ્ધાર કરી શકે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સેવા અને સમર્પણનાં દર્શન થાય છે.”

અટલ પીઠાધીશ્વર ,જમ્મુ કાશ્મીરના પૂજ્ય વિશ્વાત્માનંદજી મહારાજે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એ આપણાં માટે ગૌરવની વાત છે. આ ભારત વર્ષ સંતો, તપસ્વીઓ અને ઋષિમુનિઓની ભૂમિ છે અને તેમાં પણ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરુષનું અવતરણ થયું એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. મારા મતે આ પ્રકારના મહોત્સવમાં સમાજના વિદ્યાર્થી અને યુવાવર્ગ ને આવકારવા જોઈએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહેશે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવનાર તમામ માણસો હિન્દુ સંસ્કૃતિથી વધારે પરિચિત થશે.”

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:14 am, Oct 23, 2024
temperature icon 27°C
clear sky
Humidity 53 %
Pressure 1011 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:41 am
Sunset Sunset: 6:07 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0