મહેસાણાની વિશ્વ વિખ્યાત દુધ સાગર ડેરીની ચુંટણી આગામી 5 મી જાન્યુઆરીએ યોજાનાર છે. જેમા 1126 મતદારો 11 મતદાન મથકો ઉપર ઉમેદવારોના ભાવી નક્કી કરવા જઈ રહ્યા છે. આ સહકારી દુધસાગર ડેરીની ચુંટણીમાં અનેક ઉલટ પલટ જોવા મળ્યા હતા. જેમાં ભુતપુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કથીત સાગરદાણ મામલે ધરપકડના કારણે સરકારનો આ દાવ ઉંધો પડ્યો હોવાનુ ચર્ચાઈ રહ્યુ હતુ. તેમની ધરપકડથી ચુંટણીમાં તેમની તરફ સહાનુભુતીની લાગણી ઉભી થઈ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.
આ તરફ જ્યારે ચુંટણી લડવા માટે કુલ 132 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ તેમાં ચુંટણી અધિકારીઓ દ્વારા વિપુલભાઈ ચૌધરીની પેનલના ઉમેદવારોના ફોર્મ જાણી જોઈને રદ કર્યા હોવાની ચર્ચાઓ સામે આવી હતી. હાઈકોર્ટે ત્રણ ઉમેદવારોના ફોર્મ મંજુર કરતા અશોકભાઈ ચૌધરીની પરીવર્તન પેનલને ઝટકો લાગ્યો હતો. ફોર્મ ખેંચવાના અંતીમ દિવસે અનેક લોકોએ તેમના ફોર્મ પરત ખેંચતા 15 શીટો માટે 39 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે.
આગામી 5મી જાન્યુઆરીએ દુધસાગર ડેરીની ચુંટણી યોજાવા જઈ રહી છે એવામાં વિપુલ ચૌધરીની પેનલ તથા પરીવર્તન પક્ષ(અશોક ચોધરી) એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. મહેસાણાની વર્ધમાન વિધાલયમાં 11 મતદાન મથકો ઉપર ચુંટણી યોજાવાની છે. જેમાં ઉમેદવારોનુ ભાવી 1126 મતદારો કરવાના છે. ચુંટણી વચ્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ હતી જેમા તેમના જામીન નામંજુર થતા તેમના ચુંટણી લડવા ઉપર પ્રશ્નાર્થ હજુ પણ ઉભા છે. તેમના જામીન અંગે હાઈકોર્ટ 30 મી ડીસેમ્બરે સુનવણી કરવા જઈ રહી છે ત્યારે તેમના સમર્થકો આશા સેવી રહ્યા છે કે કોર્ટમાંથી તેમની જીત થશે.