-> પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી. ઉચ્ચસ્તરેથી તંત્ર તપાસ કરશે??
ગરવી તાકાત બનાસકાંઠા : સરહદી સુઈગામ તાલુકાના રણની કાંધીને અડીને આવેલા મસાલી ગામમાં ગ્રામજનોને પીવાના પાણીના સંપમાંથી મૃત પશુ કે અન્યના હાડકાં મળી આવતાં જવાબદાર પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે, સુઈગામ તાલુકાના માધપુરા ગૃપ ગ્રામ પંચાયતનાં મસાલી ગામમાં ગામ લોકોને પીવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવવામાં આવ્યો છે,જે સંપ ઉપર તાળું હોવા છતાં સંપમાંથી મૃત પશુ કે અન્યના હાડકાં મળી આવતાં ગ્રામજનોમાં કચવાટ સાથે આક્રોશ ફેલાયો છે,

ઘરોમાં આવતા પીવાના પાણીમા દુર્ગંધ આવતી હોઈ ગ્રામજનોએ ગામના સંપમાં તપાસ કરતાં સંપમાંથી હાડકાં મળી આવતાં પાણી પુરવઠાની બેદરકારી સામે ગ્રામજનોમાં કચવાટ સાથે આક્રોશ ફેલાયો છે, એક બાજુ શુધ્ધ જળ લોકોને પીવા માટે પહોંચાડવામાં આવતું હોવાનો સરકાર દાવો કરે છે, ત્યાં આખા ગામને પહોંચાડવામાં આવતાં પાણીના સંપ માંથી મોટી માત્રામાં હાડકાંનો જથ્થો મળી આવતાં ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે, ગ્રામજનોના જણાવ્યાનુસાર સંપને ઉપરથી તાળું મારેલું હોય છે, તો પછી આટલા બધા હાડકાં સંપ માં આવ્યા ક્યાંથી? અને જે હાડકાં પીવાના પાણીના સંપ માંથી ગ્રામજનોએ બહાર કાઢ્યા.

એ કોઈ પશુના છે કે અન્યના એ પણ એક તપાસનો વિષય છે, ત્યારે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ સંપ માં હાડકા નાખનાર કે પુરવઠા વિભાગની બેદરકારીથી હાડકાં સંપ માં આવ્યા હોય તો જવાબદાર પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવા સબબ ગુનો નોંધવા ગ્રામજનોએ માંગ કરી છે, આ અંગે ગામના હિતુભા જાડેજાએ જણાવ્યું કે પીવાના પાણીમાં નાની માછલીઓ પણ ક્યારેક આવે છે, અને ગંદુ તેમજ દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર છે, પાણી પુરવઠા ના અધિકારીઓને ફોન કરી જાણ કરી પણ કોઈ ધ્યાન આપતા નથી. અહેવાલ : નવીન ચૌધરી : સુઇગામ


