જાણીતા ગીતકાર વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીનું ઝાડું છોડી ભાજપનું કમળ ધારણ કરી લીધું છે. 7 જ મહિનાના ટૂંકાગાળામાં વિજય સુવાળાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે.
વિજય સુવાળા ભાજપમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. જ્યાં ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ વિજય સુવાળાએ જણાવ્યું કે, હું મારા ઘરે પરત ફર્યો છું. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે.
વિજય સુવાળાએ ઉમેર્યું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.
કોણ છે વિજય સુવાળા ? વિજય સુવાળા મહેસાણા જિલ્લાના વતની છે. તેમના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમણે ઘણી નાની-મોટી નોકરી કરી છે. વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા પણ ગાતા હતા. ત્યારબાદ ‘સીદડી તલાવડી’ ગીતે તેમને રાતોરાત પ્રસિદ્ધિ અપાવી અને તેઓ ગુજરાતના એક જાણીતા ગીતકાર તરીકે ઉભરી આવ્યા હતા