13 વર્ષથી સ્વ. મુકેશભાઇ રાયસંગભાઇ ચૌધરી દેશની રક્ષા કાજે ફરજ બજાવી ચૂક્યાં હતા
પોતાની ફરજ દરમિયાન તેઓ 28-10-2023ના રોજ વીરગતિને પ્રાપ્ત થતાં ગામમાં શોકનો માહોલ
ગરવી તાકાત, મહેસાણા તા. 30 – દેશના નાગરીકો અને દેશની રક્ષા કાજે અનેક જવાનો વીરગતિને પ્રાપ્ત થઇ પોતાના પ્રાણ ન્યોછાવર કરી ચૂક્યાં છે. દેશના જવાનો માટે હરહંમેશ દેશવાસીઓએ ગર્વની લાગણી અનુભવી છે.
ત્યારે આવા જ એક વીર જવાને પોતાની ફરજ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થઇ ભારતમાતાનું ઋણ અદા કર્યુ છે તેવા પાટણ જિલ્લાના આંબલીપુરા ધીણોજ ગામના મુકેશભાઇ રાયસંગભાઇ ચૌધરી જેઓ દેશની રક્ષા કાજે સુરક્ષાદળ તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેઓ પોતાની ફરજ દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયાં હતા.
સ્વ. મુકેશભાઇ ચૌધરી 13 વર્ષથી પોતાના દ્રઢ મનોબળ અને નિશ્ચર્ય આત્મીય સન્માન સાથે દેશની રક્ષા કાજે ફરજ બજાવી હતી. જેઓ 28-10-2023ના રોજ વિરગતિને પ્રાપ્ત થયેલ છે. ત્યારે તેઓની શહીદીના સમાચારને પગલે પરિવાર તેમજ નાના એવા આંબલીપુરા ગામમાં ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. સ્વ. મુકેશભાઇ રાયસંગભાઇ ચૌધરીની અંતિમયાત્રા સમગ્ર ગ્રામ સહિત અનેક લોકો જોડાયાં હતા. સ્વ. મુકેશભાઇ ચૌધરીને સીઆઇએસએફ યુનિટ મહેસાણા તરફથી ગાર્ડ ઓફ ઓર્નર આપી સલામી આપવામાં આવી હતી.