ગરવીતાકાત જૂનાગઢ:અકસ્માત બાદ થોડીવારમાં જ બંને વાહનો આગની લપેટમાં અકસ્માત બાદ કારની બેટરીમાં થયેલા તણખાથી પેટ્રોલ સળગ્યું અને થયો ભડકો ડ્રાઇવરે નીચે ઉતરી કારમાં જોયું ત્યારે તણખા ઝરતા હતા, લોકો આવી જતા નાસી છૂટ્યો કાર ચાલક કારમાં જ ભડથું થઈ ગયો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરનો ધર્મેશભાઈ રણછોડભાઈ સોલંકી નામનો યુવાન વેરાવળમાં કોન્ટ્રાક્ટ ઉપર મિસ્ત્રી કામ કરે છે. તે 10 દિવસથી વેરાવળ કામ માટે આવ્યો હતો. ગઇકાલે તેણે પોતાના મિત્રને કહ્યું હતું કે, પિતાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોઇ તાકીદે જામનગર જવું પડે એમ છે. આથી તે મિત્રની કાર નં. જીજે 32બી 0017 લઇને જામનગર જવા નિકળ્યો હતો. ત્યારે આ અકસ્માત થયો હતો.

જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઇ
ઘટનાની વિગત અનુસાર વંથલીથી આગળ કોયલી ફાટક પાસે સામેથી આવેલા કન્ટેનર ટ્રેલર નં. જીજે 25ટી 5378 સાથે યુવકની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત બાદ કારના બોનેટની બેટરીમાંથી તણખા ઝરતાં પેટ્રોલની નળીઓમાંથી નિકળેલા પેટ્રોલે આગ પકડી લીધી હતી અને જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઇ હતી. આગે ટેન્કરની કેબિનને પણ ઝપટમાં લઇ લીધી હતી. આ બનાવમાં અકસ્માતને પગલે એસટી બસમાંથી ઉતરી આવેલા લોકો આવી જતા ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. એસટી બસમાંથી ઉતરી આવેલા લોકો ધર્મેશને બહાર કાઢે એ પહેલાં જ તે કારમાં ભડથું થઇ ગયો હતો.

અંગે કન્ટેનરનાં ડ્રાઇવરે કારચાલક સામે ફરિયાદ નોંધાવી
આગ એટલી વિકરાળ હતી કે હાઇવે પર દૂર સુધી તેની જ્વાળાઓ નજરે ચઢતી હતી. બનાવની જાણ થતાં જૂનાગઢથી ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. આગ કેવી રીતે લાગી એ અંગે પીએસઆઇ ઓડેદરાએ એફએસએલની ટીમને બોલાવી હતી. બનાવ અંગે કન્ટેનરનાં ડ્રાઇવર જીવાભાઇ ઓડેદરાએ કારચાલક સામે વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ધર્મેશ જીવતો ભડથું થયો કે મૃતદેહ સળગ્યો ?
બનાવ બાદ ડ્રાઇવર જીવાભાઇ નીચે ઉતર્યા હતા. એ વખતે કાર સળગી નહોતી. તેમણે ધર્મેશને કાઢવાની કોશીષ કરી પણ નિકળી ન શક્યો. જોકે, એ વખતે તેનું મૃત્યુ થઇ ચૂક્યું હતું કે, જીવતો હતો. એ પીએમ રીપોર્ટનાં આધારે જ ખ્યાલ આવશે.

વંથલી-જૂનાગઢ વચ્ચે કોયલી ફાટકથી મધુરમ વચ્ચેનો 4 કિમી રસ્તો અકસ્માત ઝોન
વંથલી-જૂનાગઢ વચ્ચે કોયલી ફાટકથી મધુરમ વચ્ચેનો રસ્તો ફોરટ્રેકને બદલે ડબલ ટ્રેક હોવાને લીધે અનેકવાર અહીં અકસ્માતો સર્જાય છે. છેલ્લા 5 વર્ષમાં અહીં 30થી વધુ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે આ રસ્તો તાકીદે ફોરટ્રેક બનાવવામાં આવે એમ લોકો ઇચ્છી રહ્યા છે. પરંતુ એ પહેલા પણ જો કોઈ ભય સૂચક બોર્ડ જેવુ કંઈ મુકવામાં આવે તે પણ જરૂરી છે.જાણવા મળ્યા મુજબ, કન્ટેનર ટ્રેલરનાં ચાલક જીવાભાઇ દુદાભાઇ ઓડેદરા (ઉ. 31, રે. પોરબંદર) અકસ્માત બાદ કેબિનમાંથી નીચે ઉતર્યા હતા. અને કાર અડધી કેબિનમાં ઘૂસી ગઇ હોઇ તેમણે ડ્રાઇવર સીટ પર બેસેલા ધર્મેશભાઇને બહાર કાઢવાની કોશીષ કરી. પણ તે નિકળી શક્યા નહોતા. દરમ્યાન જૂનાગઢ તરફથી એક એસટી બસમાંથી મુસાફરો ઉતરી આવતાં તેને ડર લાગ્યો હતો. આથી તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. અને વંથલી પહોંચી પોતાના માલિકને ફોન કર્યો હતો. એમ તેણે પોલીસને આપેલી કેફિયતમાં જણાવ્યું હતું.

અકસ્માત કરનાર કન્ટેનર પીપાવાવથી આવતું હતું
કાર સાથે ટકરાયું એ કન્ટેનર નં. જીજે 25 ટી 5378 પોરબંદરનાં સંજય પ્રેમજીભાઇ મોદીની માલિકીના પાર્થ રોડવેઝનું હોવાનું અને તે પીપાવાવથી વાયા જૂનાગઢ થઇ પોરબંદર જતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Contribute Your Support by Sharing this News: