ગરવી તાકાત મહેસાણા : કારીયો ઠાકોર એટલે આપણો શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી,જે દ્વારકાધીશ ,કાનુડો, નટખટ ગોપાલ,શામળિયો,યોગેશ્વર,રણછોડરાય જેવા નામોથી ઓળખાય છે. આપણી વૈદિક સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણ ને જગતનો તારણહાર તરીકે વર્ણવામાં આવ્યો છે. જગતના તારણહારના મંદિરો ગુજરાતમાં દ્વારકા,ડાકોર,શામળાજી વગેરે સ્થળે આવેલા છે
પરંતુ આવું જ રણછોડરાયનું એક ભવ્ય,ઐતિહાસિક અને સ્થાપત્ય કળાથી સૂસોભિત મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે આવેલું છે. વાલમનું ઐતિહાસિક રણછોડરાયનું મંદિર ૮૮૧ વર્ષ જેટલું પ્રાચીન છે.આ મંદિરનું નિર્માણ સોલંકી કાળના મહાન પ્રતાપી રાજા શ્રી સિદ્ધરાજ જયસિંહ દ્વારા આશરે ઈ.સ.૧૧૪૦ થી ૧૧૪૧ દરમિયાન કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડરાયજીના વિગ્રહની આજે પણ દ્વારકા અને ડાકોર મંદિરની જેમ જ ભોગ સેવા તથા આરતી સેવા અને પૂજા નિયમિત રીતે કરવામાં આવે છે.આ મંદિરની સ્થાપના મૂળ શ્રી વરાહ મંદિર તરીકે કરવામાં આવી હતી
આથી તેના સમયમાં આ મંદિર શ્રી વરાહ મંદિર તરીકે પ્રચલિત બન્યું હતું. ૧૬મી અને ૧૭મી સદીના સમયગાળામાં મુઘલોના સોમનાથ પરના આક્રમણોનાં સમયે આ રણછોડરાયજીના મંદિર અને તેના વિગ્રહને પણ ખંડિત કરવામાં આવ્યું હતું.પરંતુ કાળક્રમ જતાં સવંત ૧૮૫૭માં રાજસ્થાનના ડુંગરપુરથી શ્રી રણછોડરાયજીના શ્રી વિગ્રહ લાવી સમસ્ત ગ્રામજનો દ્વારા ધામ ધૂમથી શ્રી લાલજી મહારાજના હસ્તે આ મંદિરમાં પુન:સ્થાપના કરવામાં આવી હતી.જે વિગ્રહ આજે પણ હયાત છે.]
મંદિરની આગળની બાજુ વડનગરના જેવુ જ એક પ્રાચીન કીર્તિ તોરણ પણ સ્થાપિત કરેલું છે.જે હાલમાં જર્જરિત હાલતમાં છે પરંતુ આજે પણ આ તોરણ મંદિરની શોભા વધારી રહ્યું છે. આ રણછોડરાયનું મંદિર ઉત્તમ પ્રકારની કળા-કોતરણી અને શિલ્પ સ્થાપત્ય કળાથી સૂસોભિત છે.આ મંદિરમાં જેતે સમયની સ્થાપત્ય કળા,કળા-કોતરણી અને સંસ્કૃતિ વગેરે સમાહિત થયેલા છે.જે આ રણછોડરાયનાં મંદિરની આગવી ઓળખને દર્શાવે છે.