ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં આરોપી ફરાર હતો
વડનગર પોલીસને ફરાર આરોપી પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વવાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પોલીસ પકડથી નાસતા ફરતા વડનગરના આરોપીને વડનગર સ્માર્ટ પોલીસની ટીમે તેના ઘરેથી ઝડપી લઇ જેલમાં ધકેલ્યોં હતો. તેમજ ભાવનગર પોલીસને જાણ કરી તેને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતાં તેમજ પેરોલ પર છૂટેલા અને હાજર ન થયા હોય તેવા ફરાર આરોપીઓને ઝડપી પાડવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પી.આઇ પી.એલ.વાઘેલાના નેતૃત્વમાં અપોકો. જનકકુમાર, દિપકકુમાર, વિપુલકુમાર, સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન હાજર હતા.
દરમિયાન જનકકુમારને બાતમી મળી હતી કે, પટેલ દિનેશ ઇશ્વરભાઇ રહે. ઊંડણી, ગણેશપુરા પટેલવાસ, વડનગરવાળો ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 406, 420,465ની કલમ હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપી હાલ તેના ઘરે હાજર છે જે બાતમીના આધારે વડનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરાર આરોપીને દબોચી લીધો હતો.