વડનગરની પ્રાઈવેટ ભાવના હોસ્પિટલમાંથી એક એલઆઈસીના એજન્ટની પૈસા ભરેલી બેગ એક સગીર લઈને ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એલઆઈસીનો એજન્ટ તેમના એક ક્લાયન્ટનુ મેડીકલ કરાવવા ગયો હતો ત્યારે આ ચોરી થઈ હોવાનુ ખુલ્યુ છે. સીસીટીવી ફુટેઝ આધારે આશરે 15 વર્ષના એક સગીર વિરૂધ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મહેસાણા જીલ્લાના વડનગરના ડભાડમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરતાં જગદીશ મોદી નામના શખ્સના પ્રીમીયમના પૈસા એક સગીર લઈને ફરાર થઈ ગયો છે. કાળા કલરની બેગમાં 1,75,000/- રૂપીયા લઈ તેઓ પહેલા એક ક્લાયન્ટનુ મેડીકલ કરાવવા ભાવના હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેમને પૈસા ભરેલી બેગ હોસ્પિટલના બાંકડા પર મુકી હતી. એવામાં કાઉન્ટર પરથી તેમને સહી કરવાં બોલાવવામાં આવ્યા તે દરમ્યાન તેમની બેગ લઈને એક સગીર ફરાર થઈ ગયો હતો. બહાર નીકળી પુછપરછ કરવામાં આવતાં સગીરનો કોઈ અત્તો – પત્તો નહોતો લાગ્યો જેથી તેમને સીસીટીવી ફુટેજ આધારે અજાણ્યા સગીર ઉપર વડનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.